મોરબીમાં ગ્રીન ચોક ખાતે આવેલી સોની બજારની એક દુકાનમાં ત્રણ દિવસ પહેલા ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે મહિલાઓએ રૂ.2.50 લાખના દાગીના સેરવી રફુચક્કર થઈ ગઈ હતી. જેના આધારે પોલીસે દુકાનના સીસીટીવી ફૂટેજની આધારે શોધખોળ કરી બંને મહિલાઓને દરબાર ગઢ પાસેથી ઘરેણાં સાથે દબોચી લીધી છે.

સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે દરબાર ગઢ પાસેથી બંને મહિલાને દબોચી લીધી: મુદ્દામાલ કબ્જે

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબીમાં રવાપર રોડ પર રહેતા અને સોની બજારમાં અંબાજી જવેલર્સ નામની દુકાન ચલાવતા હાર્દિક ધીરેન્દ્રભાઈ રવેશિયા અને તેમના કાકા અલ્કેશભાઈ રવેશિયા ગત તા.15મી જાન્યુઆરીના રોજ દુકાને હતા ત્યારે ગ્રાહકના સ્વાંગમાં આવેલી બે મહિલાઓ સોનાની બુટીઓ જોઈ ખરીદી કર્યા વગર જ નીકળી ગઈ હતી. ત્યાર બાદ દુકાન માલિકે તપાસ કરતા રૂ.2.50 લાખની કિંમતનું 10 સોનાની બુટી ભરેલું બોક્સ મળી ન આવતા દુકાનના સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરતા બંને મહિલાઓ કળા કરી ગઇ હોવાનું જાણવા મળ્યું હતું.

ત્યાર બાદ હાર્દિક રવેશિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુકાનના સીસીટીવી ફૂટેજની મદદથી બંને મહિલાઓની ભાડ મેળવી તપાસ હાથધરી હતી. જેમાં પોલીસે કાર્યવાહી કરી દરબાર ગઢ પાસેથી હળવદની રજીયા મયુદીન ખલીફા અને મોરબીની મુસ્કાન ઇલમદીન ઉર્ફે બાબુ ખલીફાને સોનાના ઘરેણા સાથે દબોચી લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.