ભગવતીપરામાંથી બાઇકની ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા તસ્કરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો
શહેરમાં વાહનની ઉઠાંતરી કરતી ગેંગ પર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરાયેલી ઝુંબેશ અંતર્ગત અમીન માર્ગ પરથી ત્રણ દિવસ પહેલાં ચોરાયેલી કાર સાથે બે શખ્સો અને ભગવતીપરામાંથી ચોરાયેલા બાઇક સાથે રીઢા તસ્કરને ઝડપી કાર અને બાઇક કબ્જે કરાયા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમીન માર્ગ પરથી ત્રણ દિવસ પહેલાં રૂા.5 લાખની કિંમતની જી.જે.3કેએચ.2777 નંબરની આઇ-20 કાર ચોરાઇ હતી. કરણપરામાં રહેતા કૌશિક અરવિંદ રાણપરા નામના શખ્સ પાસે ચોરાયેલી કાર હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વાય.બી.જાડેજા, એલ.એલ.ચાવડા, પી.એસ.આઇ. એ.એસ.ગરચર, કોન્સ્ટેબલ એભલભાઇ બરાલીયા અને હરપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે ધરપકડ કરી પૂછપરછ કરતા દેવપરા પાસે મહેશ્ર્વરી સોસાયટીમાં રહેતા હિતેષ પ્રભુદાસ ટાંકના કહેવાથી કારની ચોરી કરી હોવાની કબુલાત આપતા પોલીસે તેની પણ ધરપકડ કરી કાર અને એક્ટિવા મળી રૂા.5.50 લાખનો મુદામાલ કબ્જે કરી છે.
જ્યારે ભગવતીપરા પાસે મિયાણાવાસમાં રહેતા સોહિલ ઉર્ફે સોયબ ઉર્ફે બાડો હબીબ શેખ નામના શખ્સ બાઇક ચોરીના ગુનામાં સંડોવાયો હોવાની બાતમીના આધારે પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતા તેને ભગવતીપરા વિસ્તારમાંથી જ જી.જે.3એમજે. 9002 અને જી.જે.3કેએસ. 4741 નંબરના બાઇકની ચોરી કરી હોવાની કબુલાત આપતા પોલીસે તેની પાસેથી રૂા.80 હજારની કિંમતના બંને બાઇક કબ્જે કર્યા છે.