આયુર્વેદિક ઔષધિના નામે વેચાતી ગોળીઓ પર એસઓજીના બે દરોડા: ઇન્દોરથી પડીકી આવતી હોવાની કબુલાત
ર૬મી જુન એટલે વિશ્ર્વ ડ્રગ નિષેધ દિન પર જ એસઓજીએ બે અલગ અલગ સ્થળોએ દરોડો પાડી ગાંજાયુકત મનાતી ગોળીઓની ૮૯૧ પડીકી સાથે બે ને ઝડપી પાડયા છે. આ પડીકીમાં નશાયુકત દ્રવ્યનું પ્રમાણ જાણવા સેમ્પલ ગાંધીનગર એફએસએસ ખાતે મોકલવામાં આવશે માત્ર રૂ. ૧ માં વેચાતી ગાંજાયુકત પડીકીઓ ઇન્દોરથી આવતી હોવાની કબુલાત બન્ને શખ્સોએ આપી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેર એસઓજી દ્વારા ત્રણ માસ પૂર્વે ગોંડલ રોડ રાજકમલ પંપ સામે ફાટક પાસે હિમાલયા કોમ્પ્લેક્ષમાં જય રામનાથ સેલ્સ એજન્સીમાં દરોડો પાડી તરંગ વિજયાવટી આયુર્વેદીક ઔષધીની પ૦૮૦ પડીકીઓ કબ્જે કરી હતી. જેના સેમ્પલ ગાંધીનગર એકએસએલ ખાતે મોકલવામાં આવતા પડીકીઓની ગોળીઓમાં ગાંજાની હાજરી હોવાનું સાબિત થયું હતું. જેના પગલે એસઓજીએ જય રામનાથ સેલ્સ એજન્સીના રાજેશ વલ્લભ ભેડા નામના શખ્સ સામે ગુનો નોઘ્યો હતો.
જયારે ગઇકાલે એસઓજીએ અટિકા આહિર ચોકમાં આવેલી બાબા પાનની દુકાનમાં દરોડો પાડતા તરંગ વિજયાવટી આયુર્વેદીક ઔષધીઓની ૮૮૦ પડીકીઓ મળી આવી હતી. જયારે હરિ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલા શ્રી હરિદેવા જનરલ સ્ટોર નામની દુકાનમાં દરોડો પાડી વધુ ૧૧ પડીકીઓ ઝડપી કરી હતી.
એસઓજીના પી.આઇ. આર.વાય. રાવલ સહીતના સ્ટાફે બે સ્થળોએ દરોડો પાડી ગાંજાયુકત ૮૯૧ પડીકીઓ ઝડપી અટીકા વિસ્તારની બાબા પાનની દુકાનના માલીક ધીરજલાલ ભીખુ દેસાઇ અને શ્રી હરિદેવા જનરલ સ્ટોરના યોગેશ મનસુખ પાદરીયાને ઝડપી પાડી પુછતાછ હાથ ધરી હતી. માત્ર રૂ. ૧ માં નશાયુકત પડીકીઓ વેચાણનો માત્ર પરપ્રાંતિય શ્રમિકોમાં વધુ હોવાનું જાણવા મળ્યું છે. જયારે આ ગાંજાયુકત પડીકીઓ ઇન્દોરથી આવતી હોવાનું પોલીસ પ્રાથમીક તપાસમાં ખુલ્યું હતું.