કોર્પોરેશનને ઉંઘતી રાખી પોલીસે પાડયો દરોડો: સોલીડ વેસ્ટ વિભાગને કાર્યવાહી કરવા પોલીસે કર્યો રિપોર્ટ
કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગની નિષ્ક્રીયતાના કારણે શહેરમાં ઠેર ઠેર પશુ પક્ષીની થતી કતલ
શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલા શિતલ પાર્ક પાસે દ્વારકાધીશ હાઇટ સામે સરા જાહેર ચાલતા ગેર કાયદે કતલખાના પર યુનિર્વસિટી પોલીસે દરોડો પાડી મુરઘાની કતલ કરતા બે કસાઇને રંગેહાથ ઝડપી કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગની નિષ્ક્રીયતાની પોલ ખોલી છે. પોલીસે બંને કસાઇ સામે ગુનો નોંધી સોલીડ વેસ્ટ વિભાગને કતલખાના અંગે રિપોર્ટ કર્યો છે. શિતલ પાર્ક જ નહી શહેરમાં અનેક સ્થળે ગેર કાયદે કતલખાના બેરોકટોક ચાલી રહ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શિતલ પાર્ક સર્કલપાસે દ્વારકાધીશ હાઇટ પાસે ખુલ્લા મેદાનમાં મુરઘાની કતલ થતી હોવાની બાતમીના આધારે યુનિર્વસિટી પોલીસે દરોડો પાડી પીએસઆઇ બી.જી.ડાંગર, કોન્સ્ટેબલ અજયભાઇ ભુંડીયા, દિપકભાઇ ચૌહાણ સહિતના સ્ટાફે દરોડો પાડી મુરઘાની કતલ કરતા રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતા મહંમદ અલ્લારખા દલવાડી અને રૈયા રોડ કનૈયા ચોક પાસે મફતીયાપરાના મહંમદ ફજુ બેલીમ નામના શખ્સોની ધરપકડ કરી છે.
શિતલ પાર્ક પાસે સરા જાહેર ચાલતા કતલખાના અંગે કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી છે ત્યારે સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા આવી કાર્યવાહી ચાલતી હોય ત્યાં દરોડો પાડી સ્થળને સીલ કરતા હોય છે. પરંતુ શિતલ પાર્ક પાસે જાહેર જગ્યા અને ખુલ્લા મેદાનમાં મુરઘાની કતલ થતી હોવાથી સીલ કરી શકાય તેમ ન હોવાનું સોલીડ વેસ્ટ વિભાગના અધિકાર પરમારે જણાવી આ પહેલાં રૈયાધાર પર બે કતલખાના બંધ કરાવ્યાનું જણાવ્યું છે.
ગેર કાયદે ચાલતા કતલખાના અંગે કોર્પોરેશનના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી નહી થાય તો શહેરમાં ઠેર ઠેર કતલખાના શરૂ થાય તેમ હોવાનું અને જીવદવા પ્રેમીઓમાં રોષ વ્યક્ત થયો છે.
સોલીડ વેસ્ટ વિભાગ જાહેરમાં ચાલતા કતલખાનાથી અજાણ
શિતલ પાર્ક પાસે દ્વારકાધીશ હાઇટ પાસે સરા જાહેર ધમધમતા કતલખાના પર પોલીસે દરોડો પાડી પોલીસ દ્વારા સોલીડ વેસ્ટ વિભાગને રિપોર્ટ કરવા છતાં સોલીડ વેસ્ટ વિભાગના પર્યાવરણ ઇજનેર નિલેશ પરમારનો સંપર્ક કરવામાં આવતા પોતે આ કતલખાના અંગે અજાણ હોવાનું કહી ગેર કાયદે કતલખાના ચાલતા હોય તો ત્યાં દરોડો પાડી સીલ કરવાની કાર્યવાહી કરતા હોવાનું જણાવ્યું છે.