ગાંજાનો જથ્થો કોણ પુરૂ પાડતું તે અંગે પૂછપરછ કરવા બન્ને આરોપીને રિમાન્ડ પર લેવા તજવીજ
રાજકોટમાં ગાંજા સહિત અનેક માદક પદાર્થોનું સેવન વધતુ રહ્યું છે. ત્યારે થોડા દિવસો પહેલા જ વિઘાર્થીઓને ગાંજાની લતે ચડાવનાર બીપીન વાણીયા સહિત ત્રણ વિઘાર્થી પકડાયા બાદ સુલભ શૌચાલયમાં મજુરોને ગાંજાની લતે ચડાવી માદક પદાર્થોનું વેચાણ કરતા બે શખ્સોને એસઓજીની ટીમે ઝડપી પાડયા છે. પોલીસે ગાંજાનો જથ્થો કયાંથી લઇ આવતો તે અંગે પુછપરછ કરવા બન્ને આરોપીને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરીછે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પાંજરાપોળ પુલથી રામનાથપરા તરફ આવતા રસ્તે આવેલા શુલભ શૌચાલય પર ગાંજાની પુડીઓ વેચવાનું રેકેટ ચાલતુ હોવાની માહીતી આધારે એસઓજીની ટીમે દરોડો પાડયો હતો. શુલભ શૌચાલય પર નોકરી કરતા જામકંડોરણાના સાતુદડ વાવડીના વતની બીપીન કાકુભાઇ ચંદવાણીયા (ઉ.વ.પર) ને તથા પડીકીઓનો જથ્થો આપવા આવેલા સુત્રધાર રામનાથ પરા ગરૂડ ગરબી ચોકમાં શેરી નં.ર માં રહેતા મોસીન ઉર્ફે જાડો સુલેમાનભાઇ બુધીયા (ઉ.વ.૩૪) તે ઝડપી લેવાયા હતા. બીપીન તથા મોસીન પાસેથી નાની નાની ૭૫ પડીકીઓ તેમજ અન્ય જથ્થો મળી ૨૬૩.૬ ગ્રામ જથ્થો કબજે લીધો હતો. પી.આઇ. આર.વાય. રાવલના જણાવ્યા મુજબ બીપીન શૌચાલય પર નોકરી કરે છે. જયારે મોસીન સપ્લાયર છે.મોસીન બીપીનને એક બે દિવસે ૩૦, ૪૦ પડીકીઓ આપી જતો હતો અને બીપીન એ શૌચાલયમાં નશાખોરને ૧ર૦ રૂપિયા લેખે વેચતો હતો. જેના બદલામાં મોસીનને રોજીંદા ૩૦૦ રૂપિયા મહેનતાણુ આપતો હતો. છેલ્લા ચારેક માસથી રેકેટ ચાલતુ હોવાનું પ્રાથમીક પુછપરછમાં ખુલ્યું હતું. બન્ને શખ્સોની ધરપકડ કરી તપાસ એ ડીવીઝન પોલીસને સોંપાઇ છે.
એસઓજીએ થોડા દિવસ પહેલા જ વિઘાર્થીઓને ગાંજાની લતે ચડાવ્યા બાદ મજુરોને ગાંજાની લતે ચડાવાનું કારસ્તાન ઝડપીને પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી ગાંજાનો જથ્થો કયાંથી લાવ્યા તે અંગે પુછપરછ કરવા રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.