રાજકોટના જનસેવા કેન્દ્રમાં રૂ. ૧૫૦૦ ના આર્થિક લાભ મેળવવા કૌભાંડ આચાર્યની બે શખ્સોની કબૂલાત
ભારતના નાગરિકો ન હોય તેમાં મુખ્યત્વે નેપાળીઓને રૂ.૧૫૦૦ લાઇ આધારકાર્ડ આપવાના કૌભાંડમાં ગાંધીગ્રામ પોલીસે રૈયારોડ પર કનૈયા ચોક નજીકના જન સુવિધા કેન્દ્રના બે સંચાલકો સામે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે.બંને આરોપીઓ કોર્પોરેટરના સહી સિક્કા કરાવી નકલી પુરાવા ઊભા કરતા હોવાનો પણ ધડાકો થયો હતો. પોલીસે કેન્દ્રમાંથી કમ્પ્યૂટર, સીપીયુ અને હાર્ડડિસ્ક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભારતના દરેક નગરિક આધાર કાર્ડ કઢાવી શકે છે. આ માટે કેટલાક ડોક્યુમેન્ટ જરૂરી છે. જો કોઈ નાગરિક પાસે એકપણ ડોક્યુમેન્ટ ન હોય તો તેના માટે અલગ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે.જેમાં વિગતો ભરવાથી અને કોર્પોરેટર , એમ.એલ.એ કે ગેઝેટેડ ઓફિસરના વેરિફિકેશન બાદ આધારકાર્ડ આપવાની જોગવાઈ છે. પરંતુ આ જોગવાઈનો દૂર ઉપયોગ કરી બ્રહ્મ સમાજ ચોક પાસે જન સુવિધા કેન્દ્રના ઓફીસ સંચાલક આધાર કાર્ડ કાઢી આપી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.આઈ કે.એ.વાળા, પી.એસ.આઈ આર.એસ.પટેલની ટીમે દરોડો પાડી પ્રકાશ ધીરજલાલ મારવીયા ( ઉ.વ ૩૦ , રહે શાંતીધામ સોસાયટી), સાગર વિનાયકાંત રાણપરા ( ઉ.વ ૨૭, રહે. વર્ધમાન નગર પેલેસ રોડ ) ની ધરપકડ કરી હતી. જ્યારે સામાકાંઠે આવેલા કોંગ્રેસના કાર્યાલયના મંત્રી વિરલ ભટની સંડોવણી પણ ખુલ્લી હતી.
બનાવ અંગે મહાનગરપાલિકાના આધારકાર્ડ વિભાગના સુપરવાઈઝર અંકિત હર્ષદભાઇ લખતરિયાએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પ્રકાશ મારવિયા અને તેના સાથીદાર સાગર વિનયકાંત રાણપરા સામે વિશ્વાસઘાતની કલમ હેઠળ ગુનો નોંધી બંનેની અટકાયત કરી હતી. ફરિયાદમાં અંકિત લખતરિયાએ જણાવ્યું હતું કે, નવા આધારકાર્ડ નિ:શુલ્ક કાઢી આપવામાં આવતા હોવા છતાં પ્રકાશ અને સાગરે ક્ધસલ્ટિંગ ફીના નામે બહાદુર નેપાળી પાસેથી રૂ.૧૫૦૦ મેળવી વિશ્વાસઘાત કર્યો હતો.
ગત તા.૦૩ ના રોજ બહાદુર નામના નેપાળી પાસે રૂ.૧૫૦૦ પડાવી લીધા બાદ સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ ફોર્મ ઓનલાઈન ડાઉનલોડ કરી તેમાં નેપાળીની વિગતો ભરી તેમાં પોતાના માણસ સાગર વિનાયકાત રાણપરાને કામ સોંપી દીધું હતું. જેણે કોંગ્રેસના કોર્પોરેટર રવજી ખીમસૂરિયાના સહી સિક્કા ફોર્મમાં કરાવી લીધા હતા. આ સહી સિક્કા કોંગ્રેસના કાર્યાલય મંત્રી વિરલ ભટે કરી આપ્યા હતા. આ પછી માન્ય ફેડરેલ બેન્ક ખાતે ફોર્મ સબમિટ કરાવી આધારકાર્ડ કઢાવી લેવાયું હતું. બીજીબાજુ ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ કરતાં નવો જ ધડાકો પ્રકાશમાં આવ્યો હતો. આધારકાર્ડ કઢાવવા માટે અરજદારે જન્મ તારીખ અને રહેણાકના પુરાવા આપવાના ફરજિયાત હોય છે, પરંતુ આરોપીઓએ બહાદુર નેપાળી પાસેથી એકપણ પુરાવો મેળવ્યો નહોતો, પરંતુ આધારકાર્ડના ફોર્મમાં કોર્પોરેટરનો સહી સિક્કો કરાવી જન્મ તારીખ અને રહેણાકના પુરાવાને માન્ય કરાવી દેવામાં આવતા હતા.પોલીસે જન સુવિધા કેન્દ્રમાંથી કમ્પ્યૂટર, સીપીયુ અને હાર્ડડિસ્ક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.