રાજસ્થાનથી ૪,૪૦૪ બોટલ વિદેશી દારૂ સાથેનો ટ્રક રાજકોટ રેન્જ આરઆર સેલની ટીમે ઝડપી લીધો: રૂ.૩૧.૯૨ લાખનો મુદામાલ કબ્જે
રાજયમાં દારૂના ધંધાર્થી પર કડક કાર્યવાહી કરવા ગૃહ વિભાગ દ્વારા અપાયેલા નિર્દેશના પગલે પોલીસ સ્ટાફ દ્વારા બુટલેગર પર ધોસ બોલાવી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી ટોલ નાકા પાસેથી રૂા.૨૧.૮૧ લાખની કિંમતના વિદેશી દારૂ સાથે બે રાજસ્થાની શખ્સોને રાજકોટ રેન્જ આરઆર સેલના સ્ટાફે ધરપકડ કરી દારૂ અને ટ્રક સહિત રૂા.૩૧.૯૨ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પસાર થતા જી.જે.૯ઝેડ ૬૮૩૫ નંબરના ટ્રકમાં સેન્ટીગના માલ સામાન નીચે છુપાવી વિદેશી દારૂ લાવવામાં આવ્યાની બાતમીના આધારે રાજકોટ રેન્જ આઇ.જી.પી. સંદિપસિંહના માર્ગ દર્શન હેઠળ પી.એસ.આઇ. જે.એસ.ડેલા, એએસઆઇ કુલદીપસિંહ ચુડાસમા, રાજદીપસિંહ ઝાલા, સંદિપસિંહ રાઠોડ, રસિકભાઇ પટેલ, જયરાજસિંહ રાઠોડ અને શિવરાજભાઇ ખાચર સહિતના સ્ટાફે વાંકાનેર બાઉન્ડ્રી પાસે વોચ ગોઠવી જી.જે.૯ઝેડ. ૬૮૩૫ નંબરના ટ્રકને ઝડપી લીધો હતો.ટ્રકમાં સેન્ટીગના માલ સામાન નીચે છુપાવેલી રૂા.૨૧.૮૧ લાખની કિંમતની ૪,૪૦૪ બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના લીલસિંહ ગુલાબસિંહ સોઢા અને બીકાનેરના રામસિંહ લાલસિંહ ભાટીની ધરપકડ કરી પૂછપરછ કરતા તેઓને રાજસ્થાનના મારવાડી શેઠે વિદેશી દારૂ મોકલ્યાની કબુલાત આપી છે. દારૂનો જથો કયાં પહોચડાવાનો હતો તે અંગેની પોલીસ દ્વારા પૂછપરછ હાથધરવામાં આવી છે.