રાજકોટમાં એક સાથે આઠ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ઘર વાપસી કરી
સુરેન્દ્રનગર : આઇશોલેસન વોર્ડમાં દાખલ કોરોના શંકાસ્પદ યુવાનું મોત, સેમ્પલ રાજકોટ મોકલાયા
રાજ્યમાં કોરોનામુક્ત રહેલા જૂનાગઢ જિલ્લામાં પણ કોરોનાએ પગ પેસારો કરતા રાજ્યમાં હવે માત્ર અમરેલી જિલ્લો કોરોનામુક્ત રહ્યો છે. જ્યારે ગઈ કાલે રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં આઇશોલેસન વોર્ડમાં દાખલ આઠ પોઝિટિવ દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓને રજા આપવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગરમાં કોરોના શંકાસ્પદ લક્ષણ જણાવતા આઇશોલેસન વોર્ડમાં દાખલ યુવાનું મોત નિપજતા તેના સેમ્પલ મેળવી રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા છે. જ્યારે પોરબંદરમાં પણ એક માસમાં એક પણ કોરોના કેસ નોંધાયો નથી. જ્યારે ત્રણ પોઝિટિવ દર્દીઓના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે.
રાજ્યમાં ૩૩ જિલ્લાઓમાં ના માત્ર એક અમરેલી જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. આજ રોજ કોરોનામુક્ત રહેલા જૂનાગઢમાં પણ સીએચસી સેન્ટરના તબીબ અને પટ્ટા વાળાને કોરોના પોઝિટિવ આવતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે. તેમને કોરોના કોના સંપર્કમાંથી થયો અને તેમની હિસ્ટ્રી જાણીને સંપર્કમાં આવેલા અન્ય લોકોને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જૂનાગઢમાં પણ એક સાથે કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા છે.પોઝિટિવ આવેલા તબીબે ગઈ કાલે ઓપીડી સેવા આપી હોવાથી અનેક દર્દીના સંપર્કમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કોરોના બન્ને દર્દીઓની હિસ્ટ્રી જાણવા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
રાજકોટમાં અત્યાર સુધી ૬૨ દર્દીઓના પોઝિટિવ કેસ આવ્યા છે. પરંતુ તેની સામે કોરોનાને મ્હાત આપતા લોકોની સંખ્યા પણ વધતી રહી છે. અત્યાર સુધી ૧૭ દર્દીઓએ કોરનાની મ્હાત આપી હતી. જ્યારે ગઈ કાલે વધુ એક સાથે ૮ પોઝિટિવ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. મહાપાલિકાના આરોગ્ય અધિકારીઓ દ્વારા તમામને બિરદાવી એક એક કોરોના રક્ષણ માટેની કીટ આપવામાં આવી છે. ગઈ કાલે ૧૬ વર્ષથી લઈ ૮૪ વર્ષ સુધીના દર્દીઓને રજા આપવામાં આવી છે. ત્યારે તમામ દર્દીઓએ તબીબો અને સ્ટાફની સારવારને પણ બિરદાવી હતી. હાલ રાજકોટમાં હજુ ૩૬ દર્દીઓ આઇશોલેસન વોર્ડમાં સારવાર મેળવી રહ્યા છે. રજા આપવામાં આવેલા ૮ પૈકી એક દર્દીને કોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
ગોંડલમાં રહેતા એસઆરપી જવાન રાજ્યના કોરોના એપિસેન્ટર અમદાવાદ ફરજ ગયા બાદ ગઈ કાલે પરત વતન આવતા તેમનું પરિક્ષરણ કરવામાં આવ્યું હતું. જેને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા યુવાનને રાજકોટ લાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. ગોંડલમાં એસઆરપી એએસઆઈ અમદાવાદ ફરજ બજાવતા કોરોનાની ઝપેટમાં આવતા ગોંડલમાં પણ કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે.
સુરેન્દ્રનગરમાં કોરોનાના લક્ષણો જણાતા યુવાને આઇશોલેસન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જેનું ગઈ કાલે અચાનક મોત નિપજતા તેના સેમ્પલ મેળવી રાજકોટ લેબમાં રિપોર્ટ કરવા માટે મોકલવામાં આવ્યા છે. રતનપરના ૩૦ વર્ષના યુવાનને શંકાસ્પદ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેનું મોત નિપજતા તેના સેમ્પલ મેળવી કોરોના રિપોર્ટ માટે રાહ જોવાઇ રહી છે.
પોરબંદરમાં છેલ્લા એક માસમાં એક પણ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયો નથી. જ્યારે આઇશોલેસન વોર્ડમાં સારવાર રહેતા કોરોના પોઝિટિવ ના ત્રણ દર્દીઓના રિપોર્ટ નેગેટીવ આવતા તેઓને રજા આપવામાં આવી છે. આ સાથે પોરબંદર જિલ્લાને ગ્રીન ઝોનમાં સામીલ કરી વસ્તુઓમાં છૂટછાટ આપવામાં આવી છે. જેથી પોરબંદર ફરી એક વખત ધમધમતું થયું છે.
૧૪માસની પુત્રીને મળવાની ખૂબ તાલાવેલી છે : કોરોનામુક્ત દર્દી
આજ રોજ કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા આઇશોલેસન વોર્ડમાંથી મને રજા આપવામાં આવી જેથી ખૂબ સારું લાગી રહ્યું છે કેમ કે મારે ઘરે ૧૪માસની પુત્રી છે જેને મળવાની અને તેડીને રમાંડવાની ખૂબ તાલાવેલી છે. પરંતુ હજુ બે દિવસ કોરેન્ટાઇન માં રહેવું પડશે જેથી મારી ઈચ્છા પર કાબુ રાખ્યો છે. સિવિલ હોસ્પિટલમાં તબીબો દ્વારા ખુબ સારી સારવાર મળી રહી છે. અને પારિવારિક માહોલમાં દર્દીઓની સારવાર કરવામાં આવે છે.
મહાપાલિકા અને સિવિલના તબીબોની મહેનતથી એક સાથે આઠ દર્દીઓને રજા મળી : નાયબ આરોગ્ય અધિકારી
મહાનગરપાલિકા અને શહેરી વિસ્તાર તથા સિવિલ હોસ્પિટલ માટે ખૂબ સારો દિવસ છે. કે આજ રોજ કોરોના પોઝિટિવ ના આઠ દર્દીઓને એક સાથે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અને તેઓને શુભેચ્છારૂપે કીટ વિતરણ પણ કરવામાં આવ્યું છે. આ સફળતા પાછળ સિવિલ હોસ્પિટલના તબીબો અને સ્ટાફનો સિંહ ફાળો છે. જો આજ રીતે રાજકોટવાસીઓ અને મેડિકલ કોલેજના તબીબનો સાથ સહકાર મળી રહેશે તો ટૂંકાગાળામાં રાજકોટ ગ્રીનઝોનમાં પ્રવેશ કરશે તેમાં કોઈ શંકા નથી. અને લોકોને માત્ર એટલી જ અપીલ છે કે પોતે સ્વચ્છ રહે અને આસપાસના લોકોને પણ સ્વચ્છતા જાળવાનું કહે અને સાવચેતી જાળવે જેથી કરી આપણે કોરોનાને મ્હાત આપી શકીએ.