જામનગર સમાચાર
જામનગર પંથકમાં ગત્ બુધવારની સાંજથી માત્ર 11 કલાકના ટૂંકા સમયગાળામાં, ગુરુવારની સવાર સુધીમાં બે અલગ અલગ હાઈવે પર સર્જાયેલા બે ઘાતક અકસ્માતોમાં કુલ 4 વ્યક્તિઓનો ભોગ લેવાતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આ ગમખ્વાર અકસ્માત પૈકી પ્રથમ અકસ્માત બુધવારે સાંજે સાતેક વાગ્યે જામનગર-રાજકોટ રોડ પર નાની બાણુંગારના પાટીયા નજીક સર્જાયો હતો, જેમાં એક લકઝરી કારે એક બાઈકસવાર દંપતિને હડફેટમાં લેતાં બાઈકચાલકનું મોત થયું છે અને બાઈકમાં પાછળ બેઠેલાં આ મૃતકના પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતના આ બનાવ અંગે, જામનગરના રાજ પાર્ક નજીક રમણ પાર્ક ખાતે (ગણેશ કોલ્ડ સ્ટોરેજ નજીક)રહેતાં અને અભ્યાસ કરતાં યશ દિનેશભાઈ મકવાણાએ પોલીસમાં જાહેર કર્યું છે કે, આ અકસ્માત નાની બાણુંગાર અને રામપરના પાટીયા વચ્ચે, બુધવારે સાંજે સાતેક વાગ્યા આસપાસ થયો હતો. ફરિયાદીના પિતા દિનેશભાઈ અને માતા અનિતાબેન પોતાનું મોટરસાયકલ નંબર GJ-10-BH-1795 લઈ, રાજકોટ તરફના રોડ પરથી જામનગર તરફ આવી રહ્યા હતાં ત્યારે પાછળથી પૂરપાટ વેગે ધસી આવેલી BMW કાર નંબર GJ-10-DN-0007ના ચાલકે ફરિયાદીના પિતાના બાઈકને જોરદાર ટક્કર મારતાં આ બાઈક ફૂટબોલની માફક ફંગોળાઈ ગયું હતું. આ અકસ્માતમાં ફરિયાદીના પિતા દિનેશભાઈને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું અને તેમના ઈજાગ્રસ્ત પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
જામનગરની પંચકોશી એ ડિવિઝન પોલીસે અકસ્માત સર્જનાર કારના ચાલક એવા સ્ટુડન્ટ ગુલમામદ જુમાભાઈ સાટી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. અને આ BMW કાર કબજે લીધી છે. કારચાલકના પિતા શિપિંગ વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળે છે.
અકસ્માતનો અન્ય એક ઘાતક બનાવ, ઉપરોકત અકસ્માતના અગિયાર કલાક બાદ જામનગર-દ્વારકા રોડ પર બન્યો હતો. આ અકસ્માતમાં એક ધસમસતી કાર પદયાત્રીઓ પર ચડી ગઈ હતી, જેને કારણે ત્રણ પદયાત્રીઓનો ભોગ લેવાયો છે અને એક પદયાત્રીને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે. આ પદયાત્રીઓનો સંઘ મોરબીથી દ્વારકા જઈ રહ્યો હતો ત્યારે આ કાળમુખો અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત ગુરુવારે સવારે છ વાગ્યા આસપાસ બન્યો હોવાનું બહાર આવ્યું છે. મૉટી ખાવડીથી થોડે દૂર ગાગા ગામના પાટીયા નજીક આ ઘાતક અકસ્માત સર્જાયો હતો. મોરબી પદયાત્રી સંઘના અંદાજે 25-30 જેટલાં પદયાત્રીઓ બબ્બે ચારચારના સમૂહમાં વહેલી સવારે ચાલીને દ્વારકા તરફ જઈ રહ્યા હતાં ત્યારે ચાર પદયાત્રીઓના એક સમૂહ પર એક ધસમસતી બ્રેઝા કાર ચડી ગઈ હતી અને હાઈવે પર મોતની ચિચિયારીઓ ગૂંજી ઉઠી હતી. આ ચાર પૈકી ત્રણ પદયાત્રીઓના ઘટનાસ્થળે કરૂણ મોત નીપજયા હતાં. અને એક પદયાત્રીને ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે જામનગર ખસેડવામાં આવેલ.
પડાણા પોલીસે બ્રેઝા કાર નંબર GJ-02-DM-5918ના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને કારચાલકની અટક કરી છે. આ અકસ્માતમાં માર્યા ગયેલાં ત્રણેય પદયાત્રીઓ મોરબીના વતની હોવાનું બહાર આવ્યું છે. ત્રણેય મૃતકોના નામો: રમેશભાઈ ચતુરભાઈ ભાડજા(55), પરેશભાઈ પ્રભુભાઈ લીખીયા(37) અને કરશનભાઈ ભગવાનજી ભાડજા (65). આ ઉપરાંત આ અકસ્માતમાં ઘવાયેલા અને સારવાર હેઠળ રહેલાં અન્ય એક પદયાત્રીનું નામ પ્રાણજીવનભાઈ રતિલાલ ઠોરિયા હોવાનું પોલીસે જણાવ્યું છે.