દર્દીઓની સારવારમાં વધુ ગતિ આવશે
રાજ્યમાં કોરોના સંક્રમણને કારણે પરિસ્થિતિ હજુ પણ જોઇએ તેટલાં પ્રમાણમાં સુધરી નથી.આવી સ્થિતિમાં રાજ્ય સરકાર નવા-નવા નિર્ણયો લઇ રહી છે. ત્યારે કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં આરોગ્ય સેવાઓમાં માનવબળ વધુ સુદ્રઢ બનાવવા ઈખ વિજય રૂપાણીએ કોર કમિટીમાં સંવેદનાપૂર્ણ નિર્ણય લીધો છે.
રાજ્યમાં બે હજારથી વધુ નર્સની જગ્યાઓ પર તાત્કાલિક ધોરણે સીધી ભરતીથી ભરવામાં આવશે. કોર કમિટિના આ નિર્ણય અનુસાર રાજ્યમાં 2019 જેટલી હાલ ખાલી પડેલી નર્સિસની જગ્યાઓ સીધી ભરતીથી તાત્કાલિક ધોરણે ભરવાની પ્રક્રિયા આરોગ્ય વિભાગ હાથ ધરશે.
રાજ્યમાં કોરોના સંક્રમિતોની સારવાર-સુશ્રૃષા સહિત અન્ય આરોગ્યલક્ષી સેવાઓમાં મહત્વપૂર્ણ ફરજ નિભાવતી નર્સિસની આ ભરતીને પરિણામે રાજ્યમાં આરોગ્ય સેવાકર્મીઓમાં વધુ માનવબળ જોડાતાં દર્દીઓની સારવાર સેવામાં વધુ ગતિ આવશે.
આ કમિટીની બેઠકમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ઊર્જામંત્રી સૌરભ પટેલ, ગૃહ-રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવમાં પંકજકુમાર, એમ.કે.દાસ તેમજ આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિ અને વરિષ્ઠ સચિવો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.