સોપોર જિલ્લામાં સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષાદળોએ આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો: પેટ્રોલીંગ શરૂ
જમ્મુ-કાશ્મીરના સોપોર જિલ્લામાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. સોપોરના દુરસુ ગામમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમીના આધારે સુરક્ષાદળોએ સર્જ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં સામસામી ગોળીબાર દરમિયાન આતંકવાદીઓનો ખાત્મો બોલાવવામાં આવ્યો છે.
આજે વહેલી સવારે સોપોર જિલ્લામાં તપાસ દરમિયાન સુરક્ષાદળોએ આતંકવાદીઓને ઘેરી લીધા હતા. દરમિયાન આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરીંગ શરૂ કર્યું હતું. જેમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ એન્કાઉન્ટર બાદ વિસ્તારમાં હજુ પેટ્રોલીંગ અને સર્ચ ઓપરેશન શરૂ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે કુપવાડામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ફાયરીંગની ઘટના થઈ હતી જેમાં પણ બે આતંકીઓનો ખાત્મો બોલાવાયો હતો. કુપવાડા અત્યારે જમ્મુના સૌથી સંવેદનશીલ વિસ્તાર પૈકીનું એક ગણવામાં આવે છે. જયાં અવાર-નવાર આતંકવાદી ઘટનાઓ બને છે. ત્યારે હવે સોપીયા અને સોપોર જિલ્લામાં પણ આતંકીઓના સફાયા માટે સર્ચ ઓપરેશન સઘન બનાવવામાં આવ્યું છે. બુધવારે સોપીયામાં એક બેંકમાં છ લાખ રૂપિયાની લૂંટ આતંકવાદીઓએ ચલાવી હતી. ત્યારબાદ હવે ફરીથી આવી ઘટના બનશે તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે.