પોલીસે સઘન શોધખોળ હાથ ધરી, 4 પોલીસ કર્મીઓને બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા
જમ્મુ અને કાશ્મીરમાંથી લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ ફરાર થઈ ગયા છે. જેને પગલે એલર્ટ આપી દેવામાં આવ્યું છે. આ સાથે 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.
જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે બુધવારે લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ ફરાર થઈ ગયા છે. ઉત્તરી કાશ્મીરના બારામૂલામાં પોલીસ કસ્ટડીમાંથી લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદી ફરાર થઈ ગયા છે.
ફરાર થઈ ગયેલા આતંકવાદીઓના નામ મારુફ નજીર સોલેહ અને શાહિદ શૌકત બાલા છે. આ બંને આતંકવાદી બારામૂલામાં શરાબની દુકાન પર થયેલા હુમલાની ઘટનામાં સંડોવાયેલા હતા.પોલીસે આ બંને આતંકવાદીઓની ધરપકડ કરી હતી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, બંને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે કામ કરી રહ્યા હતા.મારુફ નજીર સોલેહ અને શાહિદ શૌકત બાલા નામના બંને આતંકવાદીઓ ફરાર થયા બાદ સમગ્ર કાશ્મીરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ઘાટીમાં પોલીસ અને તંત્ર બંને સતર્ક મોડમાં છે.
આ મામલાની ગંભીરતા અને પોલીસની બેદરકારીને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ તંત્રએ 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ કરતા સમગ્ર મામલાની તપાસનો આદેશ આપ્યો છે.