શોપિયા જિલ્લામાં સુરક્ષા દળોને સફળતા, હજુ પણ સર્ચ ઓપરેશન જારી
જમ્મુ-કાશ્મીરના શોપિયાના અલશીપોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા છે હજુ પ. સર્ચ ઓપરેશન જારી હોવાનું સેના દ્વારા જણાવવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મોડી રાતથી જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાના અલશીપોરામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. એવામાં આજે વહેલી સવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ગઈકાલે રાતથી ચાલતા સંઘર્ષ વચ્ચે આજે સવારે સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. કાશ્મીર પોલીસ ઝોને એક્સ પર પોસ્ટ દ્વારા અલ્શીપોરામાં એન્કાઉન્ટરની માહિતી આપી હતી. એન્કાઉન્ટર બાદ જવાનો દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ પહેલા કુલગામ જિલ્લામાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
અગાઉ 4 ઓક્ટોબરે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે પુષ્ટિ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ બાસિત અમીન ભટ અને સાકિબ અહેમદ લોન તરીકે થઈ હતી. બંને કુલગામ જિલ્લાના રહેવાસી હતા. એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, તે અથડામણ દિવસ દરમિયાન શરૂ થઈ હતી જ્યારે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં કુજ્જરમાં આતંકવાદીઓની હાજરી અંગેની સૂચનાને પગલે ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.