રાત્રીના અંધારામાં ભાગવા જતા હોજમાં પડ્યા : બૂમાબૂમ કરતાં લોકોનાં ટોળાંએ ફાયર વિભાગની મદદથી એકને બચાવી લીધો
વડોદરામાં આવેલી આવેલી નંદેસરી જીઆઇડીસીમાં વર્ષોથી બંધ ઉષ્મા કેમિકલમાં ગઈકાલે રાત્રિના અરસામાં 2 ચોર ચોરી કરવાના ઇરાદાથી ઘૂસ્યા હતા. તે દરમિયાન એક યુવક હોજમાં પડી જતાં એકનું મોત થયું હતું.જ્યારે બીજા તસ્કરને લોકોએ ફાયર વિભાગની મદદથી બચાવી લીધો હતો બાદ પોલીસે બીજા ચોરને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના સીમાડે આવેલી નંદેસરી જીઆઇડીસીમાં આવેલી ઉષ્મા કેમિકલ કંપની વર્ષ 1990થી બંધ પડેલી છે. દરમિયાન ગુરુવારે રાત્રીના સુમારે પ્રકાશ જાડેજા અને યોગેશ સાતમસિંગ ગોહિલ ચોરી કરવાના આશય સાથે કંપનીમાં ઘૂસ્યા હતા. દરમિયાન કંપનીની અંદર ઘૂસતાંની સાથે પ્રકાશ અને યોગેશ હોઝમાં પડ્યા હતા.બચવા માટે તે બંનેએ બૂમો પડતાં આજુબાજુના લોકોનાં ટોળાં જામ્યાં હતાં. જોકે કંપની વર્ષોથી બંધ હોવાને કારણે હોઝમાં અનેક ઝેરી જીવ-જંતુ હોવાની પણ ભીતિ હતી. સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવતાં નંદેસરી પોલીસના સ્ટાફ અને ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
ઘટના સ્થળે પહોંચતાં ફાયર વિભાના લાશ્કરો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન પ્રકાશ જાડેજાનું ડૂબવાથી મોત થયું હતું, જ્યારે યોગેશને લોકોએ જ બહાર કાઢી લીધો હતો. નંદેસરી પોલીસ દ્વારા પ્રકાશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં યોગેશની પોલીસે અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે,પ્રકાશ વેલ્ડિંગની નોકરી કરતો હતો. અગાઉ તેની વિરુદ્ધ દારૂનો કેસ હોવાથી ગુરુવારે તેની કોર્ટની મુદત હતી, જેથી તે નોકરી પર નહતો ગયો. કોર્ટની મુદત પૂરી થયા બાદ યોગેશ સાથે ચોરીનો પ્લાન બનાયો હોય તેવું તપાસમાં જાણવા મળ્યું હતું.