- ફુટના ધંધામાં ખોટ જતા અને પુત્રની સારવારના ખર્ચને પહોંચી વળવા ચોરીના રવાડે ચડયાની કબુલાત
- એસ.ઓ.જી. ની ટીમને મળી મહત્વની સફળતા: પુરેપુરો મુદામાલ કબ્જે
રાજકોટ તાલુકાના સરધાર સ્થિત રાજ મહેલમાં એક સપ્તાહ પૂર્વે થયેલી ચોરીનો એસ.ઓ.જી. એ ભેદ ઉકેલી સરધારના શખ્સોને ઝડપી લઇ એન્ટીક પિત્તળના વાસણો મળી રૂ. 60 હજારનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પુત્રના સારવાર માટે ચોરી કર્યાની કબુલાત આપી છે. જયારે સાગ્રીત અને એન્ટિક વાસણો ખરીદનારને આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે ઉઠાવી લીધા છે.
વધુ વિગત મુજબ સરધાર ગામે રહેતા અને સરધાર સ્થિત રાજમહેલમાં સિકયુરીટી તરીકે ફરજ બજાવતા રમેશભાઇળ ભોગીલાલ કુબાવત નામના પ્રૌઢે ગત તા. 14 એપ્રિલની રાત્રે અજાણ્યા તસ્કરો દ્વારા અલગ અલગ ઘાતુના વાસણો મળી રૂ. 60 હજારની ચોરી અંગેની આજીડેમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.
રાજમહેલમાં થયેલી ચાંરીનો ભેદ ઉકેલવા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે આપેલી સુચનાને પગલે એસ.ઓ.જી. ના પી.આઇ. જે.ડી. ઝાલા સહીતના સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું. ત્યારે સરધાર ગામે રહેતો રવિ નાનજી સોલંકી નામનો શખ્સની સંડોવણી હોવાની હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ ચૌહાણને મળેલી બાતમીના આધારે એ.એલ.આઇ. વિરમભાઇ ધગલ અને હેડ કોન્સ્ટેબલ ધમેન્દ્રસિંહ અને મોહિતસિંહ સહીતના સ્ટાફે દરોડો પાડી ઝુપડામાંથી રવિ સોલંકીની ધરપકડ કરી આકરી પુછપરછ કરતા ફુટનો વેપાર કરતો હતો. અને પુત્રની સારવારના ખર્ચને પહોંચી વળવા એક માસમાં ત્રણ વખત એન્ટીક વાસણોની સાગ્રીતોની મદદથી ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે રૂ. 60 હજારની કિંમતના વાસણો કબ્જે કર્યા છે. જયારે આજી ડેમ પોલીસે સાગ્રીત અને એન્ટિક વસ્તુ ખરીદનારની ધરપકડ કરી છે.