• આજીડેમ પોલીસે આસપાસના વિસ્તારમાં સર્ચ હાથ ધર્યું પણ અન્ય અંગો મળી આવ્યા નહી

રાજકોટ શહેરની ભાગોળે આજી ડેમના કાંઠા નજીકથી કપાયેલા બે પગ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. બંને પગ મહિલાના હોવાની આશંકા સેવાઇ રહી છે. મહિલાની હત્યા કરી લાશના કટકા કરીને ફેંકી દેવાયા હતા કે કોઇ બીમાર મહિલા દર્દીના તબીબે પગ કાપ્યા હોય અને મેડિકલ વેસ્ટનો અયોગ્ય રીતે નિકાલ કરાયો છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

શહેરના ભાવનગર રોડ પર માંડાડુંગર નજીક આજી ડેમના કાંઠા પાસે બે પગ પડ્યા હોવાની માહિતી મળતાં આજી ડેમ પોલીસ સ્ટેશનના પીઆઇ અશોકસિંહ જાડેજા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસને બંને પગ થોડા થોડા અંતરથી મળ્યા હતા. બંને પગ ગોઠણથી નીચેના ભાગથી પગના તળિયા સુધીના હતા. પગના પંજા ખવાઇ ગયેલી સ્થિતિમાં હતા અને પાંચેક દિવસ પહેલાંના અંગો હોવાથી કોહવાઇ ગયા હતા. પોલીસે બંને પગને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા.

પોલીસે પગ જ્યાંથી મળ્યા તેની નજીકના આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી પરંતુ અન્ય અવશેષો મળ્યા નહોતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બે પૈકીનો એક પગ શ્વાન લઇને જતું હતું કોઇ વ્યક્તિની નજર પડતાં તેણે પથ્થરમારો કરી શ્વાનના મોંમાંથી પગ છોડાવ્યો હતો અને ત્યાં જઇ તપાસ કરતાં થોડેદૂર બીજો પગ પણ મળી આવ્યો હતો.

બંને પગ મહિલાના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જોકે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ જ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે. મહિલાની હત્યા કરી લાશના ટુકડા કરી ડેમમાં ફેંકી દેવાયાની ચર્ચાએ જોર પકડ્યું હતું તો કોઇ મહિલા દર્દીના પગમાં ગેંગ્રીન થતાં તબીબે બંને પગ કાપ્યા હોય પરંતુ તેનો યોગ્ય રીતે નિકાલ કરવાને બદલે ડેમમાં ફેંકી દેવાયા હોય તેવી પણ શંકા સેવાઇ રહી છે. જો મહિલાની હત્યા કરી બન્ને પગ ડેમમાં ફેંકવામાં આવેલા હોય તો શરીરના અન્ય અંગો અન્ય કોઇ સ્થળેથી મળવાની સંભાવના છે. અને જો મેડિકલ વેસ્ટ હોય અને તેને યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો ન હોય તો જવાબદાર હોસ્પિટલ અને ડોકટર સામે આગામી દિવસોમાં કડક કાર્યવાહીના નિર્દેશો મળ્યા હતા. પોલીસે તમામ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

લાશના કટકા કરી ફેંકી દેવાયો કે મેડિકલ વેસ્ટ?

જે રીતે આજીડેમ કાંઠેથી મહિલાના બે કપાયેલા પગ મળી આવ્યા છે ત્યારે હવે માનવ અંગ અંગે અનેક તર્ક-વિતર્ક ઉદભવ્યા છે. શું કોઈકે મહિલાની હત્યા નીપજાવી લાશના કટકા કરીને ફેંકી દીધા હતા કે પછી બીમારી સબબ કોઈક મહિલાના બે પગ કાપીને ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આ મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ નહિ થતાં આજીડેમ કાંઠેથી મળી આવ્યા છે તેવો સવાલ ઉઠ્યો છે.

અગાઉ મળી આવેલા બાળકના મસ્તક સહિતના બે માનવઅંગનો મામલો હજુય અનડિટેક્ટ!!

અગાઉ વર્ષ 2023ના 13 એપ્રિલના રોજ શહેરના બી ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતા બેડી ચોકડીથી માલીયાસણ તરફ જવાનાં માર્ગે લાલપરી નદીના કાંઠેથી બેગમાં ભરેલી મહિલાની લાશ મળી આવી હતી. મહિલાની લાશના આઠ કટકા કરી નાખવામાં આવેલા હતા. જે મામલો હજુ અનડિટેક્ટ છે. ઉપરાંત વર્ષ 2019માં આજી નદીના મેદાનમાંથી એક બાળકનું કપાયેલું મસ્તક મળી આવ્યું હતું જે મામલો પણ હજુ વણઉકેલાયેલો છે. ત્યારે હવે ત્રીજું માનવ અંગ મળી આવતા પોલીસ માટે ફફ મામલો ઉકેલવો પડકાર સમાન છે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.