મીરજાપરમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવા ઉતર્યાને કાળનો કોળિયો બન્યાં
જવાબદારો સામે પગલાં ન લેવાયા ત્યાં સુધી પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર
ભુજના મીરજાપર ગ્રામ પંચાયત વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવા ઉતરેલા કોન્ટ્રાક્ટરના બે સફાઈ કામદારોના ગેસ ગૂંગળામણથી મોત નીપજતાં ચકચાર મચી છે. ગઈકાલ સાંજે ભૂગર્ભ ગટરમાં બંને સફાઈ કામદારો બેભાન થઈ જતા બંનેને ફાયરબ્રિગેડે રેસ્ક્યુ કરી સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેના કમકમાટી ભર્યા મોત નિપજતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતું. ઘટનાના પગલે હોસ્પિટલ પર વાલ્મિકી સમાજના લોકો ઉમટી પડ્યા હતા અને જવાબદારો સામે કાર્યવાહીની માગ કરી છે. પરિવારજનોએ હાલ બંને મૃતકોના મૃતદેહને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે.
વિગતો મુજબ ભુજના મીરજાપરમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે કોન્ટ્રાક્ટરે ભરત શાંતિલાલ અઠવા અને રવિ રાજુભાઈ મારવાડી નામના યુવાનોને મોકલ્યા હતા. બંને યુવાનો ગટરની ચેમ્બર ઉતરતા જ ગૂંગળામણના કારણે બેભાન થઈ ગયા હતા. જેની જાણ ફાયરબ્રિગેડને કરાતા સ્ટાફ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી બંનેનું રેસ્ક્યુ કરી સારવાર માટે ભુજની જીકે જનરલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.
ભુજના ભક્તિ પાર્કમાં રહેતા ભરત અઠવા અને રવિ મારવાડીના ગેસ ગુંગળામણના કારણે મોત થતા હોસ્પિટલ સંકુલમાં ઉપસ્થિત પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. ઘટના અંગે જવાબદારી નક્કી કરવાની માગ બે સફાઈ કામદારોના મોતના પગલે હોસ્પિટલ પર સમાજના આગેવાનો અને પરિવારજનો પહોંચ્યા હતા. આ મામલે જે લોકોની બેદરકારી છે તેની સામે કાર્યવાહી માગ કરવામાં આવી છે. પરિવારજનોએ હાલ બંનેના મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.