નર્મદાનું પાણી કાળુ પડી જતા અને ઓકિસજનનું પ્રમાણ ઘટતા કોર્પોરેશન દ્વારા સલામતીના પગલા: ઈનહાઉસ ટેસ્ટીંગમાં નર્મદાના નીર સલામત હોવાના રિપોર્ટ
ગુજરાતની જીવાદોરી એવી નર્મદા નદીનું પાણી કાળુ પડી જવાની ઘટના તાજેતરમાં ઘટી છે. નદીમાં ઓકિસજનનું પ્રમાણ ઘટી જવાના કારણે લાખો માછલાઓના મોત નિપજયા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે એવો આદેશ આપ્યો છે કે રાજયભરમાં જયાં નર્મદા નીર આપવામાં આવે છે ત્યાં પાણીનું પરીક્ષણ કરવું જેના પગલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ વોટર વર્કસ શાખાના અધિકારીઓને રાજકોટને જે જગ્યાએ નર્મદાનું પાણી મળે છે ત્યાંથી સેમ્પલ લઈ સરકારી લેબોરેટરીમાં રીપોર્ટ કરાવવા તાકીદ કરી હોય હડાળા પમ્પીંગ સ્ટેશન અને ત્રંબા ત્રિવેણી સંગમ પાસેથી નર્મદાના પાણીના સેમ્પલ લઈ સરકારી લેબોરટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વોટર વર્કસ શાખાના ઈજનેરી સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ નર્મદા નદીનું પાણી કાળુ પડી જવાની ઘટના બાદ મુખ્યમંત્રીના આદેશના પગલે રાજયભરમાં નર્મદાના પાણીના નમુના લેવામાં આવી રહ્યા છે જેને પગલે મહાનગરપાલિકા દ્વારા પણ સાવચેતીના ભાગરૂપે રાજકોટને જે સ્થળોએ નર્મદાનું પાણી મળે છે ત્યાંથી નમુના લેવામાં આવ્યા છે. રાજકોટને રૈયાધાર-ન્યારા પમ્પીંગ સ્ટેશન, બેડી ફિલ્ટર પ્લાન્ટ, આજીડેમ અને કોઠારીયા-વાવડી ખાતે હડાળા પમ્પીંગ સ્ટેશન ખાતેથી નર્મદાનું પાણી આપવામાં આવે છે. આ ઉપરાંત આજીડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવામાં આવે છે. આમ હડાળા પમ્પીંગ સ્ટેશન ખાતે તથા ત્રંબા નજીક ત્રિવેણી સંગમ ખાતેથી નર્મદાના નમુના લઈ જામનગર રોડ પર રૂડા કચેરી ખાતે આવેલી પબ્લીક હેલ્થ એન્જીનીયરીંગ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે જેનો રીપોર્ટ ૪ થી ૫ દિવસ પછી એટલે કે શુક્રવાર અથવા શનિવારે આવશે. મહાપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતા પાણીનું રોજ ઈનહાઉસ ટેસ્ટીંગ કરવામાં આવે છે જેમાં નર્મદાનું પાણી પીવા માટે સલામત હોવાના રીપોર્ટ આવ્યા છે.