એડવોકેટની હત્યા કેસમાં મહત્વના સાક્ષી અને તાજેતરમાં જ શિવસેનામાં જોડાયેલી નિશા ગોંડલીયાને ગોળી ન લાગતા રિવોલ્વરનો કુંદો મારી બંને ફરાર: જયેશ પટેલના ઇશારે ફાયરિંગ થયા આક્ષેપ
જામનગરના કુખ્યાત ભૂ માફિયા જયેશ પટેલે એડવોકેટ કિરીટભાઇ જોષીની હત્યા કરાવ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા બાદ પણ હત્યા કેસના મહત્વના સાક્ષી નિશાબેન ગોંડલીયા પર ગઇકાલે ખંભાળીયા-જામનગર રોડ પર આરાધનાધામ નજીક સિધ્ધી હોટલ પાસે બે શખ્સોએ ફાયરિંગ કર્યા બાદ રિવોલ્વોરનો કુંદો મારી ફરાર થયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં પાર્થ કોલોની સિલ્વર હાઇર્ટ એપાર્ટમેન્ટમાં રહેતી અને ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય કરતી નિશાબેન ગુલાબદાસ ગોંડલીયા નામની ૨૮ વર્ષની બાવાજી યુવતી ગઇકાલે પોતાની જી.જે.૧૦એડી.૪૯૮૩ નંબરની વર્ના કાર લઇને ખંભળાયા જઇ રહી હતી ત્યારે બપોરના દોઢેક વાગે આરાધના ધામ પાસે સિધ્ધી હોટલ પાસે જમવાનું પાર્સલ લેવા માટે કાર ઉભી રાખી ત્યારે સફેદ કલરની ઇનોવા કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ રિવોલ્વોર બતાવી ફાયરિંગ કરતા ગોળી નિશાબેન ગોંડલીયાની કારમાં લાગી હતી.
સરા જાહેર ફાયરિંગ થતા હોટલના કેટલાક માણસો બહાર આવતા બંને શખ્સો પૈકી એક શખ્સે એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કરી નિશાબેન ગોંડલીયાના વાળ પકડી માથામાં રિવોલ્વોરનો કુંદો મારી જયેશભાઇ અને યશપાલસિંહનું નામ લેવાનું તને બહુ શોખ છે તેમ કહી બંને શખ્સો ભાગી ગયા હતા.
જામનગરની કરોડોની કિંમતની જમીન કૌભાંડના સુત્રધાર જયેશ પટેલની વિગતો ઉજાગર કરનાર એડવોકેટ કિરીટભાઇ જોષીની સોપારી આપી હત્યા કરાવવાના ગુનામાં નિશાબેન ગોંડલીયા મહત્વના સાક્ષી છે. નિશાબેન ગોંડલીયાને સાક્ષીમાંથી હટી જવા માટે અગાઉ જયેશ પટેલના ભાગીદાર યશપાલસિંહ જાડેજાએ ફોન કરી ધમકી દીધા અંગેની પોલીસમાં રજૂઆત કરી હતી તેમજ પોતાના પર હુમલો થશે તો તેમાં જયેશ પટેલ અને યશપાલસિંહ જાડેજાની સંડોવણી હશે તેવી ચોકાવનારી રજૂઆત કરી હતી.
દરમિયાન ગઇકાલે આરાધનાધામ પાસેની સિધ્ધી હોટલ પાસે બે અજાણ્યા શખ્સોએ નિશાબેન પર ફાયરિંગ કરતા જામનગર અને દેવભૂમિ દ્વારકાના પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. અને ફાયરિંગ કરી ફરાર થયેલા બંને શખ્સોની શોધખોળ હાથધરી છે.
નિશાબેન ગોંડલીયા બીટકોઇ પ્રકરણના શૈલેષભાઇ ભટ્ટના સંબંધી થતા હોવાનું જાણવા મળે છે. જામનગર શિવસેનાના ઉપપ્રમુખ નિશાબેન ગોંડલીયાની ફરિયાદ પરથી જયેશ પટેલ, યશપાલસિંહ જાડેજા અને બે અજાણ્યા શખ્સો સામે પૂર્વ યોજીત કાવતરૂ રચી હત્યાની કોશિષ કર્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.