અગાઉના ઝઘડાના કારણે ૧૧ શખ્સોએ ત્રણ કારમાં આવી ફાયરિંગ કર્યુ: જામીન પર છુટીને જઇ રહેલા શખ્સની હત્યાના પ્રયાસ
રાજકોટ
જામનગરમાં અગાઉ થયેલા ઝઘડામાં જેલ હવાલે થયેલા નામચીન શખ્સ જામીન પર છુટી જામનગર પહોચે તે પહેલાં રાજકોટના ઘંટેશ્ર્વર પાસે આંતરી ત્રણ કારમાં ઘસી આવેલા ૧૧ જેટલા શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરના નાગેશ્ર્વર રોડ પર ગુમતીપુરમાં રહેતા ઇકબાલ ઉર્ફે બાઠીયો ઉમર નાયક નામના ૪૧ વર્ષના પઠાણ યુવાન રાતે બીએમડબલ્યુ કારમાં રાજકોટથી જામનગર જઇ રહ્યો હતો ત્યારે જામનગર રોડ પર ઘંટેશ્ર્વર પાસે નવા રીંગ રોડ નજીક પહોચ્યો ત્યારે જામનગરના સાદીક અબ્દલુ ઉર્ફે અભલ બુશડ, રજાક ઉર્ફે સોપારી દાઉદ ચાવડા, હુસેન દાઉદ ચાવડા, અમીન નોટીયાર અને આઠ જેટલા અજાણ્યા શખ્સો અલગ અલગ ત્રણ કારમાં આવી બે રાઉન્ડ ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યાની ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ઇકબાલ ઉર્ફે બાઠીયાએ થોડા સમય પહેલાં સાદીક સાથે ઝઘડો થતા તેના પર ફાયરિંગ કરતા સાદીકના મિત્ર ઘવાયો હતો. ઇકબાલ ઉર્ફે બાઠીયા સામે હત્યાની કોશિષનો ગુનો નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કરતા તેને રાજકોટની જેલમાં રાખવામાં આવ્યો હતો. ઇકબાલ ઉર્ફે બાઠીયાના જામીન મંજુર થતા તે રાજકોટ જેલમાંથી છુટી જામનગર જઇ રહ્યો હતો.
ઇકબાલ ઉર્ફે બાઠીયાના જામીન મંજુર થયાની અને તે રાજકોટથી જામનગર આવતો હોવાની સાદીક અને રજાકને જાણ થતા તેઓ સ્વીફટ અને બે એકયુવી કારમાં આવી ઘંટેશ્ર્વર પાસે ઇકબાલ ઉર્ફે બાઠીયાની બીએમડબલ્યુ આંતરવાનો પ્રયાસ કરી બે રાઉન્ડ ફાયરિંગ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
ઇકબાલ ઉર્ફે બાઠીયા પર ફાયરિંગ થતા પોતાનો જીવ બચાવી નીચે નમી ગયો હતો અને પડધરી પોલીસ મથકે કાર ઉભી રાખી સમગ્ર ઘટનાની વાત કરતા પડધરી પોલીસે રાજકોટ પોલીસને ફાયરિંગની જાણ કરી હતી. ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. એમ.ડી.ચંદ્રવાડીયા સહિતના સ્ટાફે રજાક અને સાદીક સહિતના શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
રજાક ઉર્ફે સોપારી પણ તાજેતરમાં જ પેરોલ પર છુટયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.