તાર્યા નો વળે ઇ હાર્યા વળે! સરકાર ડિજીટલ ઇન્ડિયાનું અભિયાન ચલાવીને થાકી ગઇ અને જેટલા લોકો ઓનલાઇન બેંકિંગ તરફ ન વળ્યા તેના કરતા વધારે હાલમાં કોરોના વાયરસની બિમારીના ભયથી ડિજીટલ પેમેન્ટ તરફ વળ્યા છે. બાકી હોય તો સરકારે જ્યારે ઓછામાં ઓછા સ્ટાફથી કામ ચલાવવાના આદેશ આપ્યા છે ત્યારે બેંકો પણ બ્રાન્ચ ઓફિસોમાં મર્યાદિત સ્ટાફથી કામ કરી રહી છે. હવે ઇન્ડિયન બેંક એશોસિયેશને પણ જાહેર અપીલ કરી છે જે સેવા ઇન્ટરનેટ, ATM કે કાર્ડ મારફતે ઉપલબ્ધ છે એ સેવા માટે બેંકની બ્રાન્ચ ઉપર આવવાનું બંધ કરો. બાકી હોય તો હવે લોકો પણ Paytm જેવી સેવાઓનો ઉપયોગ કરતા થયા છે.
વિતેલા બે સપ્તાહમાં ક્રુડતેલના ભાવમાં ૩૦ ટકા જેટલા મસમોટા ગાબડાં જોવા મળ્યા છૈ. બ્રન્ટ ક્રુડતેલનાં ભાવ બેરલ દિઠ ૩૦ ડોલરથી નીચે હોય ત્યારે ભારતની ઇકોનોમીને ઇમ્પોર્ટ બિલમાં બહુ મોટી રાહત મળતી હોય છૈ. ૧૯૯૦ ની સાલમાં અખાતી યુધ્ધ વખતે ક્રુડતેલના ભાવમાં એકધારો ઓટલો મોટો કડાકો જોવા મળ્યો હતો. ત્યારેબાદ આ સૌ પ્રથમ મોટું કરેક્શન છે. ગણતરી માંડીએ તો હાલમાં ક્રુડતેલનાં ભાવ લિટર દિઠ ૧૪ રૂપિયા ગણી શકાય. મતલબ કે હાલમાં મિનરલ વોટરના ભાવે ક્રુડતેલ મળે છે એમ કહી શકાય.
૧૯૯૧ માં જ્યારે અખાતી યુધ્ધ થયું ત્યારે ક્રુડતેલના ભાવ બેરલ દિઠ ૧૭ ડોલર વાળા વધીને ૩૭ ડોલર થઇ ગયા ત્યારે ભારતમાં બેલેન્સ-ઓફ-પેમેન્ટની સમસ્યા થઇ હતી. એ સમયે પણ ભારતની નિકાસમાં ઘટાડો થવાના કારણે નાણાકિય ખાધ બહુ વધી ગઇ હતી. જેને કારણે સરકાર મોટા પાયે ઇકોનોમિક લિબરલાઇઝેશન તરફ વળી હતી. આ વખતે ઇકોનોમી નાજુક છે ત્યારે ક્રુડતેલના ભાવ ઘટવાથી ભારત ને નીચા ભાવે ખરીદી કરવાનો મોકો મળશૈ જે દેશના લાભમાં રહેશે.
વાયરસના ભય સામે ડિજિટલ પેમેન્ટ વધુ સુરક્ષિત
જીહા, કેશ ટ્રાન્ઝક્શન ઘટ્યા છે. Paytm નો દાવો છૈ કે તેમની એકની સેવામાં ફેબ્રુઆરી-૨૦ થી ૨૦ ટકાનો ઉછાળો આવ્યો છે, દિવસે દિવસે Paytm ની સેવા સાથે જોડાવા માટે વેપારીઓની પુછપરછ પણ વધી રહી છે. નવી અરજીઓની સંખ્યામાં પણ ૧૫ ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છૈ. આ એવા જ વેપારીઓ છે જે અત્યાર સુધી ઓફ લાઇન પેમેન્ટ જ સ્વીકારતા હતા. ખાસ કરીને કરિયાણા વેપારીઓ જે માલની હોમ ડિલીવરી કરતા હોય છે તે હવે માલ તો પહોંચાડે છે પણ રોકડા રૂપિયા લેવામાં કોરોના વાયરસનો ચેપ લાગવાની બીકે સીધા Paytm ટ્રાન્સફર કરવાની માગણી કરી રહ્યા છે. લોજીક તો એવા પણ મુકાય છે કે લોકો રૂપિયા ગણતી વખતે થુક કે લાળ વાળા અંગુઠા કરતા હોવાથી ચેપ વધુ ફેલાય છે. પરિણામે ડિજીટલ પેમેન્ટ વધુ સુરક્ષિત છે. આવી જ રીતે Phone Pe ની સર્વિસમાં લોકો ગ્રોસરી ઉપરાંત ફુડ અને દવાની પણ ખરીદી કરતા થયા છૈ. આ સુવિધાઓ હવે મેગા જ નહી B અને C કેટેગરીના શહેરોમાં પણ વધી છે. હવે મોટાભાગની રાજ્ય સરકારોઐ જાહેર ટ્રાન્સ્પોર્ટ બંધ ર્ક્યા છે અને ટ્રેનો પણ બંધ છે ત્યારે આગામી બે સપ્તાહમાં ડિજીટલ પેમેન્ટના ટ્રાન્ઝક્શન વધવાની ધારણા છે. સર્વિસ એજન્સીઓના અધિકારીઓ કબુલે છે કે નોટબંધી વખતે જેટલો ધસારો ડિજીટલ પેમેન્ટ માટે થયો હતો તેના કરતા વધારે ધસારો કોરોના સામે સાવચેતીના પગલાં રૂપે જોવા મળ્યો છે. હાલના રોગચાળાનો જો કોઇ પોઝીટીવ રિમાર્ક હોય તો તે ડિજીટલ પેમેન્ટ તરફ લોકોનો ધસારો ગણી શકાય.
જો ક્રુડતેલના ભાવ ૩૦ ડોલરે લાંબો સમય સુધી ટકેલા રહે તો ભારતની આયાત અડધી થઇ શકે
મૂળ તો ફેબ્રુઆરી-૨૦ માં અમેરિકાની ક્રુડતેલની નિકાસ ઘણી વધી હોવાનું ફલિત થતા સાઉદીના પેટમાં તેલ રેડાયું હતું ત્યારબાદ તુરત જ માર્ચ-૨૦ ના પ્રારંભે કોરોના વાયરસનો ફેલાવો વિશ્વભરમાં થયો, ભારત અમેરિકા તથા ઇટાલીમાં કેસો વધવા માંડ્યા ત્યારથી ક્રુડતેલની ખપત ઘટી અને ક્રુડતેલની મંદીને બળ મળ્યું છે. જોકે આ વખતે ભાવના ઘટાડા માટે સાઉદી તથા રશિયા વચ્ચે ક્રુડતેલનાં ઉત્પાદનના મામલે પડેલી મડાગામઠ પણ જવાબદાર છે. ૨૦૧૬ ની સાલથી બન્ને દેશો મળીને ઉત્પાદન પર કંટ્રોલ કરી ક્રુડતેલના ભાવ નક્કી કરવાની રણનીતિ બનાવે છે. આ વખતે સાઉદી એ ઉત્પાદનમાં વિશેષ ઘટાડો કરીને ભાવ ઉચે લઇ જવાની ઓફર કરી પરંતુ રશિયાએ આ ઓફર માન્ય ન કરતા સાઉદીએ ભાવ ઘટાડાનું પગલું લીધું હતું. આમેય તે હાલમાં ભારત તથા સાઉદી વચ્ચે સારા સંબંધો છે. સાઉદીની સરકારી કંપની અરામ્કોઐ રિલાયન્સ સાથે હાથ મિલાવ્યા છે. ભારતની કુલ આયાતમાં આશરે ૮૦ થી ૮૨ ટકા હિસ્સો ક્રુડતેલનો હોય છે. વર્ષ ૨૦૧૮-૧૯ માં ભારતે ૮૭ અબજ ડોલરના ક્રુડતેલની આયાત કરી હતી. હવે જો ક્રુડતેલના ભાવ ૩૦ ડોલરે લાંબો સમય સુધી ટકેલા રહે તો ભારતનું ઇમ્પોર્ટ અડધું થઇ શકે છે. જે લાંબાગાળે નાણાકિય ખાધમાં ઘટાડો કરે અને વૈશ્વિક બજારાં રૂપિયાને મજબુત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.