નાસ્તો કરવા આવતા પિતરાઇ ભાઇનું બાઇક સ્લિપ થતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોતથી આહિર પરિવારમાં શોક
રાજકોટ-જામનગર માર્ગ પર આવેલા ખંઢેરી ગામ નજીક કોઝવે પર બાઇક સ્લીપ થઇ કોઝવેની રેલીંગ સાથે પિતરાઇ ભાઇ અથડાતા ગંભીર ઇજા પહોચતા બન્નેના ઘટના સ્થળે મોત નિપજતા નાના એવા ખંઢેરી ગામમાં એક સાથે બે આશાસ્પદ યુવાનના મોતથી આહિર પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના ખંઢેરી ગામે રહેતા ચેતન પ્રતાપભાઇ ચાવડા (ઉ.વ.રર) અને જૈમીન વનરાજભાઇ મિયાત્રા (ઉ.વ.૧૮) બન્ને પિતરાઇ ભાઇ બાઇક લઇ રાત્રે રાજકોટ-જામનગર માર્ગ પર આવેલી મુરલીધર હોટલ ખાતે નાસ્તો કરવા આવી રહ્યા હતા. ત્યારે નારણકા ખંઢેરી વચ્ચે બેઠા પુલ પર બાઇક સ્લીપ થતા અને પુલની પારી સાથે અથડાતા બન્નેને માથામાં ગંભીર ઇજા પહોચતા પિતરાઇ ભાઇના ઘટના સ્થળે મોત નિપજયા હતા.
આ બનાવની જાણ પડધરી પોલીસ મથકના સ્ટાફને થતા કોન્સ્ટેબલ ફિરોજભાઇ હોસ્પિટલે દોડી જઇ બન્ને મૃતકોનું પી.એમ. કરાવી પ્રાથમીક તપાસમાં મૃતક ચેતન ચાવડા અને જૈમીન મિયાત્રા મામા-ફૈબાના પુત્ર છે. ચેતન ચાવડા ત્રણ બહેનના એકને એક ભાઇ અને જૈમીન મિયાત્રા બે ભાઇ હોવાનું બહાર આવ્યું છે. પિતરાઇ ભાઇના મોતથી આહિર પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે.ઉલ્લેખનીય છે કે, રાજકોટ-જામનગર રોડ પર અવાર-નવાર અકસ્માતનાં બનાવો સામે આવે છે જેમાં અનેક લોકો મોતને ભેટયા છે. આ બનાવમાં પણ બે આશાસ્પદ યુવાનોનું મોત નિપજતા તેમના પરીવારમાં ગમગીની છવાઈ છે. આ અકસ્માત સર્જાતા હાઈવે ઉપર લોકોના ટોળેટોળા જામ્યા હતા અને લોકોએ તુરંત જ એમ્બ્યુલન્સને કોલ કરીને બોલાવી હતી. બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવાનોએ ઘટના સ્થળે જ દમ તોડયા હતા.