વર્ષ ૨૦૦૭ના બોમ્બ ધમાકામાં દોષિત અનિક સૈયદ અને અકબર ઈસ્માઈલને મોત જયારે અન્યએકને આજીવન કેદની સજા
૨૫ ઓગષ્ટને ૨૦૦૭ના રોજ હૈદરાબાદમાં થયેલા બ્લાસ્ટ કેસમાં બે આતંકવાદીઓને કોર્ટે મૃત્યુદંડની સજાનું એલાન કર્યું છે. જયારે અન્ય એકને ઉમરકેદની સજા સંભળાવી છે. હૈદરાબાદ બ્લાસ્ટ કેસમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીની વિશેષ અદાલતે આ ચૂકાદો આપ્યો છે.
૧૧ વર્ષ ચાલેલા આ કેસમાં ગત ૪ સપ્ટેમ્બરનાં રોજ કોર્ટે અનિક સૈયદ અને અકબર ઈસ્માઈલ ચૌધરીને દોષી ઠેરવ્યા હતા. અને કહ્યું હતુ કે અનિક તેમજ અકબર હૈદરાબાદના લુંબીની પાર્ક અને કોટિ સ્થિત ગોકુલ ચાટ પર બોમ્બ રાખવાના ગુનાહિત કાર્યમાં દોષી છે. કોર્ટે સજા સંભળાવવા માટે ૧૦ સપ્ટેમ્બરની મુદત રાખી હતી. જેના અનુસંધાને ગઈકાલે કોર્ટે આ બંને આતંકીઓને મોતની સજા ફટકારી છે.
આ વિશે વધુ વિગત આપતા એનઆઈએના સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર કે સુરેન્દરે કહ્યું કે, અદાલતે બે દોષીઓને પણ મામલાઓમાં મોતની સજા સંભળાવી છે. ગોકુલચાટ, લુંબીની પાર્ક અને દિલસુખનગરમાં બોમ્બ રાખવા બદલ મોતની સજા ફટકારાઈ છે. જોકે, દિલસુખનગરમાં રખાયેલો બોમ્બ વિસ્ફોટ થયો ન હતો.
આ બોમ્બ ધમાકાના માસ્ટરમાઈન્ડ રિયાઝ ભટકલ અને ઈકબાલ ભટકલને પોતાના ઘરમાં આશરો આપવા બદલ તારીક અંજુમને પણ જેલની સજા કરાઈ છે. દોષીઓના વકિલે આ ચૂકાદા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ કમજોર ફેસલો છે અને આ ના વિરૂધ્ધ હાઈકોર્ટમાં અરજી કરીશું.