રાજકોટ મધ્યસ્થ જેલમાં છેલ્લા 18 વર્ષથી હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા કાપી રહેલા બે પાકા કામના કેદીઓને તેમના વર્તનના આધારે રેમિશન પોલિસી હેઠળ જેલમુક્ત કરવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાના વતની બંને ભાઈઓને એકસાથે જેલ મુક્તિ મળતા પરીવારમાં પણ હરખનો માહોલ જોવા મળ્યો હતો.
સારા વર્તણુંકના આધારે રેમિશન પોલિસી હેઠળ અપાઈ બન્ને સગ્ગા ભાઈઓને જેલમુક્તિ
જેલ તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ વર્ષ 2005માં અમરેલી જિલ્લાના હત્યાના ગુન્હામાં મંગા ઉર્ફે મગન દેવશી મકવાણા અને જગ્ગા ઉર્ફે જગદીશ દેવશી મકવાણા એમ બંને સગ્ગા ભાઈઓની આઈપીસીની કલમ 302,120 બી હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ અદાલતે બંને ભાઈઓને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. બંને કેદીઓએ કાચા અને પાકા કામના કેદી તરીકે આશરે 18 વર્ષનો સમય વિતાવ્યો છે.રેમિશન પોલિસી હેઠળ આજીવન કેદ જેવી સજામાં 14 વર્ષથી વધુ જેલવાસ ભોગવ્યા બાદ કેદીની વર્તણુક, ચાલ-ચલનના આધારે તેમને ફરી એકવાર સમાજમાં પુન:સ્થાપિત થવાની તક આપવામાં આવે છે. જે પોલિસી હેઠળ આ બંને કેદીઓને સીઆરપીસીની કલમ 432, 433 હેઠળ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ જેલ મુક્ત કરવા માટે ઉચ્ચ કક્ષાએ ભલામણ કરવામાં આવી હતી. જે બાદ બંને કેદીઓને જેલમુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
એક ભૂલની સજા આખા પરિવારે ભોગવવી પડે છે : મુક્ત થનારા કેદીઓનો પશ્ચાતાપ
રેમિશન પોલિસી હેઠળ મુક્ત થનારા મગન દેવશી મકવાણા અને જગદીશ દેવશી મકવાણાએ જણાવ્યું હતું કે, અમે વર્ષ 2005થી જેલમાં હતા. દરમિયાન અમારા પરીવારને હેરાન થતાં જોયા છે. આજે અમે જેલમુક્ત થઇ રહ્યા છીએ ત્યારે હવે સામાન્ય નાગરિકની જેમ જીવન વ્યતિત કરીશું અને ગુન્હાના રવાડે ચડીશું નહીં. તેમણે સમાજને અપીલ કરતા કહ્યું હતું કે, કોઈ પણ ગુનેગાર સાથે સંબંધ રાખવો અને ક્યારેય ગુન્હાના રવાડે ચડવું નહીં. તમારી એક ભૂલની સજા ફકત તમારે જ નહીં પરંતુ તમારા આખા પરીવારને ભોગવવી પડશે તેવું તેમણે જણાવ્યું હતું.
જેલતંત્ર, સરકારનો ખોબલે ખોબલે આભાર માનતો પરીવાર
આ તકે મુક્ત થનારા કેદીઓના પરીવારજનોએ સરકાર અને જેલ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજે અમારા પરીવારમાં ઉત્સવ જેવો માહોલ છે. 17 વર્ષ બાદ આજે અમારા પરિવારના સભ્યો ઘરે પરત ફરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, સમાજના યુવાનોને અમારી અપીલ છે કે, પોતે ક્યારેય ગુન્હાના કે કોઈ ગુનેગારના રવાડે ચડવું નહીં અને તેમના કહ્યા મુજબ ક્યારેય વર્તવું નહીં.
14 વર્ષથી વધુનો જેલવાસ ભોગવનાર કેદીઓની મુક્તિ માટે ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ મોકલશે જેલ તંત્ર
બંને કેદીઓની જેલ મુક્તિ અંગે રાજકોટ મધ્યસ્થ જેલના ઇન્ચાર્જ નાયબ અધિક્ષક બી બી પરમારે જણાવ્યું હતું કે, જે કેદીઓએ 14 વર્ષથી વધુ સમય સુધી જેલવાસ ભોગવ્યા બાદ તેમના જેલકાળમાં વર્તણુક, ચાલ-ચલનના આધારે રેમિશન પોલિસી હેઠળ તેમના નામની ભલામણ કરવામાં આવતી હોય છે. તે પ્રક્રિયાના આધારે મગન દેવશી મકવાણા અને જગદીશ દેવશી મકવાણા એમ બંને સગ્ગા ભાઈઓના નામની ભલામણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉચ્ચ કક્ષાએથી બંને કેદીઓની જેલમુક્તિ પર મહોર મારવામાં આવી હતી. આજે બંને કેદીઓને જેલમુક્ત કરવામાં આવ્યા છે અને સમાજમાં પુન:સ્થાપિત થવાની તક આપવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ મધ્યસ્થ જેલમાં કુલ 1200 જેટલાં પાકા કામના કેદીઓ છે તેમાંથી જે કેદીઓએ 14 વર્ષથી વધુનો સમય જેલમાં વિતાવ્યો હોય તેમના વર્તનને આધારે જેલમુક્ત કરી સમાજમાં પુન: સ્થાપિત કરવાની ભલામણ કરવામાં આવશે.