કાશ્મીરથી છેક કચ્છ સુધી ૯૮૩ પેટી વિદેશી દારૂ ભરેલો ટ્રક પહોચી ગયો! પૂર્વ કચ્છ એલસીબીને મળી સફળતા
રાજયભરમાં દારૂના ધંધાર્થીઓ પર પોલીસે ધોસ બોલાવી વિદેશી દારૂ મળવો મુશ્કેલ બનાવી દીધો હોવાથી ગુજરાતની નજીકના રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી વિદેશી દારૂના સપ્લાયરો દારૂનો જંગી જથ્થો મોકલવાનું બંધ કરતા રાજયના મોટા ગજાના બુટગેલરોએ છેક કાશ્મીરથી વિદેશી કચ્છના સીમાડા સુધી પહોચાડી દીધાની પૂર્વ કચ્છ એલસીબીને ગંધ આવી જતાં દરોડો પાડી રૂા.૪૬.૪૧ લાખની કિંમતની ૯૮૩ પેટી વિદેશી દારૂ સાથે ટ્રક ઝડપી બે કાશ્મીરના શખ્સોની ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તામિલનાડુ પાસીંગના ટ્રકમાં કાશ્મીરથી વિદેશી દારૂ સાથે ટ્રક કચ્છમાં આવતો હોવાની બાતમીના આધારે પૂર્વ કચ્છ એલસીબી પી.આઇ. ડી.બી.રાણા અને પીએસઆઇ રેવર સહિતના સ્ટાફે ભચાઉના શિકારપુર પાસે આવેલી સબરા બિહાર હોટલ પાસે વોચ ગોઠવી હતી. પોલીસની બાતમી મુજબનો તામિલનાડુ પાસીંગનો ટ્રક ત્યાં પહોચતા એલસીબી સ્ટાફે દરોડો પાડી રૂા.૪૬.૪૧ લાખની કિંમતની ૯૮૩ પેટી વિદેશી દારૂ અને રૂા.૧૦ લાખની કિંમતનો ટ્રક કબ્જે કર્યો હતો. પોલીસે કાશ્મીરના લાખના ગુરદીપસિંગ અપરસિંગ બસીત અને યશપાલસિંગ કિશનસિંગ બસીત નામના ટ્રક ચાલક અને ક્લિનરની ધરપકડ કરી તેઓ કોની પાસેથી વિદેશી દારૂ લાવ્યા અને કોને ડીલીવરી આપવાની આપવાની હતી તે અંગેની પૂછપરછ માટે બંને પરપ્રાતિય શખ્સોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.