ભુજ કૉર્ટમાં આરોપી પર થયેલા હુમલાના બનાવમાં જાપ્તામાં રહેલા બે પોલીસકર્મીને જિલ્લા પોલીસવડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભુજની પાલારા જેલમાંથી પોલીસ જાપ્તા હેઠળ ભુજની કૉર્ટમાં લવાયેલાં મર્ડર કેસના આરોપી પર બે વ્યક્તિએ કરેલાં હુમલાના બનાવ સંદર્ભે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા એમ.એસ.ભરાડાએ જાપ્તામાં રહેલાં એએસઆઈ શૈલેષકુમાર વી. સોની અને એલઆરડી જવાન ભાવેશકુમાર ધર્મરાજ બેગરીયાને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યાં છે.
સસ્પેન્ડ કરાયેલ ભાવેશ બેગરીયા માનકૂવા પોલીસ મથકમાં અને એએસઆઈ શૈલેષકુમાર સોની પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. પોલીસ જવાનોનો જાપ્તો હોવા છતાં આરોપી પર થયેલા હુમલાના બનાવને જવાનોની બેદરકારી ગણી સસ્પેન્ડ કરાયાં છે. ઉલ્લેખનીય છે કે, મારામારીનો બનાવ ગઈકાલે ભુજ સેશન્સ કૉર્ટના સંકુલમાં બન્યો હતો.
એક વર્ષ અગાઉ ભુજના યુવકના મર્ડર કેસના આરોપી સિકંદર અનવર લાખાને કેસની મુદ્દત હોઈ પાલારા જેલમાંથી જાપ્તા હેઠળ ભુજ કૉર્ટ લવાયો હતો. સિકંદર તેના પિતા-દાદા સાથે વાતો કરો હતો ત્યારે મૃતક યુવકના સંબંધી એવા હનીફ જુસબ થેબા અને ઈકરમ ઈદ્રીશ થેબા નામનાં બે યુવકોએ તેના પર હુમલો કરી મુઢ માર મારી તેનો શર્ટ ફાડી નાખ્યો હતો. બનાવ અંગે સિકંદરના દાદા ભચુભાઈ રમજુભાઈ લાખાએ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.