લોકડાઉન દરમિયાન ખેતરેથી ઘરે આવી રહેલા ખેડુતને જાહેરમાં અને પોલીસ મથકે લઇ જઇ માર માર્યો’તો
પડધરીના ખેડુતને લોક ડાઉન દરમિયાન સરા જાહેર અને પોલીસ મથકે લઇ જઇ માર મારી પોલીસની ફરજમાં રૂકાવટ અંગેનો ગુનો નોંધી પાસા હેઠળ જેલ હવાલે કરવાના પ્રકરણમાં સંડોવાયેલા હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવા કોર્ટ દ્વારા આદેશ કરાયો છે. બંનેને તા.2 ફેબ્રુઆરી અદાલત સમક્ષ હાજર થવા હુકમ કરાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી રહેતા રમેશભાઇ નાથાભાઇ વાઢેર ગત તા.5-5-20ના રોજ લોક ડાઉન દરમિયાન ખેતરેથી પોતાના ઘરે આવતા હતા ત્યારે તેને ગ્રામ પંચાયતની કચેરી પાસે હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ખૂમાનસિંહ ચૌહાણ અને યશપાલસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ અટકાવી લોક ડાઉન છે ખબર નથી કહી બાઇકના કાગળ માગતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા બંને પોલીસમેને રમેશભાઇ વાઢેરને જાહેરમાં માર માર્યા બાદ પોલીસ મથકે લઇ જઇ માર માર્યો હતો.
તેમજ તેની સામે પોલીસની ફરજમાં રૂકાવટ કર્યા અંગેનો ગુનો નોંધી પાસા હેઠળ જેલ હવાલે કરાયા હતા. લોક ડાઉનમાં ખેતરે જવાની ખેડુતોને છુટ આપવામાં આવી હોવા છતાં રમેશભાઇ વાઢેરને ખોટી રીતે અટકાવી માર મારી ખોટા ગુના નોંધી પાસા હેઠળ જેલ હવાલે કરવા અંગે રમેશભાઇ વાઢેરની પુત્રી પ્રિયંમબેન વાઢેરે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રિયંમબેન વાઢેર દ્વારા કરાયેલી ફરિયાદની સુનાવણી પુરી થતા અદાલતે ઘટના સમયના સીસીટીવી ફુટેજ અને મેડિકલ એવીડન્સ સહિતના પુરાવા ધ્યાને લઇ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ શુકલએ સીઆરપીસી 204 મુજબ કાર્યવાહી કરવા અને ક્રિમિનલ કેસ નોંધવા હુકમ કરી બંને પોલીસમેનને તા.2 ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં હાજર થવા ફરમાન કરાયું છે.પિયંમબેન વાઢેર વતી એડવોકેટ તરીકે જીતેન્દ્રસિંહ પરમાર, ચિરાગ મહેતા, કિશનભાઇ વાલવા અને વિજયભાઇ જોષી રોકાયા હતા.