આવતા મહિનાના મધ્યમાં ચૂંટણી કમિશન ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. આ બંને રાજ્યોની ચૂંટણીમાં ફરી એકવખત ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ બંને મુખ્ય પક્ષો એકબીજાની સામસામે આવશે. ત્યારે એવી ચર્ચા છે કે ચૂંટણી કમિશન હિમાચલ પ્રદેશમાં નવેમ્બરના મધ્યમાં અને ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં બે તબક્કામાં ચૂંટણી યોજવા પર વિચારણા કરી રહ્યું છે. ગુજરાતમાં ચૂંટણી વ્યવસ્થાની તૈયારી અંગે નિરિક્ષણ કરવા માટે ઓક્ટોબરના બીજા સપ્તાહમાં ઇલેક્શન કમિશન રાજ્યમાં આવી શકે છે.
આ ચૂંટણીમાં પહેલીવાર ઇલેક્શન કમિશન કોઈપણ રાજ્યમાં સમગ્ર ચૂંટણી પૂર્ણરૂપે વોટર વેરિફાએબલ પેપર ઓડિટ ટ્રેઇલ(VVPAT) મશિન દ્વારા કરાવશે. આ મશિનની મદદથી મતદાતા પોતે જેને વોટ આપ્યો છે તેને વોટ મળ્યો છે કે નહીં તે રિસિપ્ટ દ્વારા નિશ્ચિત કરી શકશે.
જ્યારે કેન્દ્રીય કેબિનેટે ભારત બહાર રહેતા લોકોને પ્રોક્સી વોટિંગની સુવિધા આપવાનો પ્લાન હાલ આ બે રાજ્યોની ચૂંટણીમાં પડતો મૂક્યો છે. ઓગસ્ટ મહિનામાં જ રીપ્રેઝન્ટેશન ઓફ પીપલ એક્ટમાં સુધારા કરતો કાયદો લાવવા માટે સરકાર દ્વારા સુધારા બિલનો મુસદ્દો તૈયાર કરાયો હતો જેને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે.
આ નવા સુધારાના કારણે ભારત બહાર રહેતા ભારતના નાગરીકોને ચૂંટણીમાં વોટ નાખવા માટે હજારો રૂપિયા ખર્ચીને ભારત આવવાની જરૂર નહીં રહે તેઓ પોતે જે દેશમાં છે ત્યાંથી જ નક્કી કરવામાં આવેલ પ્રોક્સી પદ્ધતીથી વોટિંગ કરી પોતાનો વોટ આપી શકશે. પરંતુ આ સુધારા બિલને હજુ સંસદની મંજૂરી બાકી છે.
ગુજરાત માટે ઇલેક્શન કમિશન પોતાના શેડ્યુલ પ્રમાણે ડિસેમ્બરમાં જ ચૂંટણી યોજશે. જોકે બંને રાજ્યોના પરિણામ સાથે જ આપશે. ઇલેક્શન કમિશનના ઓફિસરના જણાવ્યા મુજબ ‘મતદાન અને ગણતરી વચ્ચે એક મહિનાનો ગાળો ઇલેક્શન કમિશન અને મતદાતાઓ માટે કોઈ નવી બાબત નથી.