રાજકોટના નામચીન બુટલેગરે દારૂ મગાવી કટીંગ દરમિયાન એલસીબીએ પડધરી પોલીસને અંધારામાં રાખી દરોડો પાડયો: દારૂ, ટ્રક અને સ્કોર્પીયો મળી રૂ.૩૦.૨૦ લાખનો મુદામાલ કબ્જે: બંને શખ્સો રિમાન્ડ પર
રાજકોટના નામચીન બુટલેગરનો વિદેશી દારૂનો જંગી જથ્થાનું પડધરી પાસેના ન્યારા પાસે કટીંગ થતું હોવાની બાતમીના આધારે એલસીબી સ્ટાફે પડધરી પોલીસને અંધારામાં રાખી દરોડો પાડી રૂ.૧૫.૨૦ લાખની કિંમતની ૪૨૬૦ બોટલ વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપી તેની પાસેથી દારૂ, ટ્રક અને સ્કોર્પીયો મળી રૂ.૩૦.૨૦ લાખનો મુદામાલ ક્બ્જે કર્યો છે. પોલીસે બંને શખ્સોને તા.૧૮મી સુધીના રિમાન્ડ પર મેળવી પૂછપરછ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ગોકુલધામ સોસાયટીમાં રહેતા નામચીન બુટલેગર હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયાએ રાજસ્થાનથી વિદેશી દારૂ મગાવી પડધરીના ન્યારા કટીંગ કરતો હોવાની બાતમીના આધારે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ. જે.એમ.ચાવડા, પી.એસ.આઇ. એચ.એ.જાડેજા, હેડ કોન્સ્ટેબલ મહેશ જાની, બ્રીજરાજસિંહ જાડેજા, રવીદેવભાઇ બારડ, મેરૂભાઇ મકવાણા અને નરેન્દ્રભાઇ દવે સહિતના સ્ટાફે ન્યારા ખાતે દરોડો પાડયો હતો.
ન્યારાની સીમમાં ગ્લોરીયસ સિટી વિસ્તારમાં રાજસ્થાન પાસીંગના ટ્રકમાંથી સ્કોર્પીયોમાં વિદેશી દારૂની પેટીઓ ગોઠવી રહેલા રાજસ્થાનના ભવર ભેરૂલાલ ભાટ અને પિન્ટુ ભાટ નામના શખ્સોને ઝડપી લીધા હતા. બંને શખ્સો પાસેથી રૂ.૧૫.૨૦ લાખની કિંમતની ૪૨૬૦ બોટલ વિદેશી દારૂ, ટ્રક અને સ્કોર્પીયો મળી રૂ.૩૦.૨૦ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
ભવર ભાટ અને પિન્ટુ ભાટને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે બંને શખ્સોને તા.૧૮મી સુધીના રિમાન્ડ પર સોપ્યા છે.
રિમાન્ડ દરમિયાન બંને શખ્સોની કરાયેલી પૂછપરછમાં વિદેશી દા‚ ગોકુલધામના હર્ષદ ઉર્ફે મહાજન માંડલીયા, હાર્દિક ઉર્ફે કવિ, દેવો, પ્રિયાંક ઉર્ફે કાળીયો વિનોદ અને રૈયા ચોકડીના ધર્મેશ વ્યાસનો વિદેશી દારૂ હોવાની કબુલાત આપતા પોલીસે તમામની શોધખોળ હાથધરી છે.