સૂત્રધાર શક્તિ ઉર્ફે પેંડાનું એન્કાઉન્ટર બાદ એક સહઆરોપીનું ખૂન થતા ચાર આરોપી સામેના કેસમાં એક તાજનો સાક્ષી બન્યો, એક બાળ આરોપી સામેનો કેસ જુવેનાઇલ કોર્ટમાં બે આરોપીને સાપરાધ મનુષ્ય વધના ગુનામાં સજા
રાજકોટમાં છ વર્ષ પહેલાં સહકારનગર વિસ્તારમાં છ વર્ષ પહેલામધ્ય રાત્રીએ ચોક ઉપર ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ નેચડાની હત્યાના કુલ છ આરોપી પૈકી બે આરોપીઓને તકસીરવાર ઠરાવી રાજકોટ અધિક સેશન્સ જજ બી.ડી. પટેલે સાત વર્ષની કેદની સજા ફરમાવી છે. અત્રે યાદ રહે આ બનાવ બાદ આરોપી શકિત ઉર્ફે પેંડાનું એન્કાઉન્ટર થયું હતું અને ઋષિરાજસિંહ જાડેજાનુ ખૂન થયા બાદ એક સહઆરોપી કમલેશ વજુભાઈ મહેતાએ તાજનો સાક્ષી બની સમગ્ર બનાવ અંગે જુબાની આપતા બે આરોપીઓને તકસીરવાર ઠરાવવામાં આવ્યા છે અને એક સહઆરોપી સગીર હોવાથી તેનો કેસ બાળ અદાલતમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, તા.16/03/2016ના રોજ સહકાર સોસાયટીના ચોકમાં મધ્ય રાત્રીએ ફરજ બજાવતા ભક્તિનગર પો. સ્ટે.ના પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ નેચડાએ ત્રણ મોટર સાઈકલો ઉપર છાકટા થઈને મોટે મોટેથી રાડો પાડીને નીકળેલા છ માથાભારે શખસોને ચોકમાં રોકેલ હતા. આ શખસો ભાગી ન જાય તે માટે શક્તિ ઉર્ફે પેંડો અને તેની સાથે બેઠેલ રાજપાલ ઉર્ફે રાજાના મોટર સાઈકલની ચાવી આ પોલીસ કોન્સ્ટેબલે લઈ લીધી હતી.
આથી ઉશ્કેરાયેલા રાજપાલ ઉર્ફે રાજાએ પોતાના પેન્ટના નેફામાંથી છરીથી હુમલો કરતા કોન્સ્ટેબલ ભરતભાઈ ત્યાંથી ભાગવા ગયેલ ત્યારે તમામ આરોપી ભરતભાઈની પાછળ દોડી તેને પછાડી દીધેલ અને છરીના વધુ બે ઘા પડી ગયેલા ભરતભાઈને મારેલ તથા બીજા ચાર આરોપીઓએ ઢીકા પાટુનો માર મારી ભરતભાઈનું મૃત્યુ નિપજાવેલ. ત્યારબાદ છએ આરોપીઓ ત્યાંથી ભાગી છૂટયા હતા.
આ કેસમાં પોલીસ તપાસના અંતે મૃતક આરોપી શક્તિ ઉર્ફે પેંડા સિવાયના પાંચેય આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ રજુ કરવામાં આવેલ હતું. સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલવા પર આવતા સહઆરોપી કમલેશ વજુભાઈ મહેતાએ પબ્લિક પ્રોસિકયુટર મારફત તાજનો સાક્ષી બનવાની અરજી આપી સોગંદ ઉપર સાચી હકિકતની જુબાની આપવા તૈયારી દર્શાવેલ. આ મુજબ સરકાર વકીલ મારફત સહઆરોપીની જુબાની નોંધાયેલ, જે દરમ્યાન આ સહઆરોપીએ સમગ્ર બનાવમાં કયા આરોપીએ કેટલો ભાગ ભજવેલ છે તે અંગે વિસ્તૃતપણે જણાવી દીધી હતી.
આ કેસની આખરી સુનવણી વખતે સરકાર વતી ડીજીપી એસ.કે.વોરાએ દલીલો કરી હતી કે, જયારે કોઈ ગુનાહીત બનાવમાં એક સહઆરોપી બનાવ અંગેનું સંપુર્ણ વર્ણન સોગંદ ઉપર આપતા હોય ત્યારે બચાવપક્ષ તરફથી આ આરોપી બનાવ સમયે તેઓની સાથે હતો કે કેમ તેમ સ્પષ્ટ રીતે ઉલટ તપાસ દરમ્યાન જણાવવું જોઈએ. આ ઉપરાંત બચાવપક્ષે તેઓ બનાવ સમયે તેઓ સ્થળ ઉપર હાજર હતા કે કેમ તે પણ સ્પષ્ટપણે જણાવવું જોઈએ. આરોપીઓ તરફે જયારે આ બેમાંથી કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરેલ ન હોય ત્યારે બનાવ સમયે તેઓ હાજર હતા અને તાજનો સાક્ષી પણ હાજર હતો તેમ માનવું અનિવાર્ય છે.
આ મુજબ તાજનો સાક્ષી જયારે નજરે જોનાર સાહેદ બની જતો હોય ત્યારે તેમને ઉલટ તપાસ દરમ્યાન આરોપીઓ દ્વારા ખોટો સાબિત કરવામાં ન આવે તો આ સમગ્ર બનાવ પુરવાર થયેલો ગણાય. સહઆરોપી કમલેશ વજુભાઈ મહેતાએ સમગ્ર બનાવ અંગે સોગંદ ઉપર સાચી જુબાની આપેલ હોય તેમને કાયદાની જોગવાઈ મુજબ નિર્દોષ જાહેર કરી છોડી શકાય.
સરકાર તરફેની આ રજુઆતોના અંતે સેશન્સ અદાલતે અને સહઆરોપીઓ પરેશ મનસુખલાલ કાલાવડીયા અને જૈવીક ઉર્ફે મોન્ટુ દિલીપભાઈ રોજાસરાને પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ નેચડાની સાપરાધ મનુષ્યવધનો ગુના સબબ સાત વર્ષની કેદની સજા ફરમાવ્યો છે તેમજ પ્રત્યેકને રૂા. 20000- નો દંડ તથા મરણજનારના કુટુંબીઓને રૂા. પ0,000/-નું વળતર ચુકવવાનો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.