થાન સીએનજી પંપ, ચોટીલા ઇકોમ એક્સપ્રેસ અને મોટી મોલડી પાસેના રિલાયન્સ પંપનો રાત્રી દરમિયાનનો વકરો ચોટીલાની બેન્કમાં જમા કરાવવા જતા યુવાનને છરીના ઘા ઝીંકી લૂંટી લીધો
સફેદ કલરની નંબર પ્લેટ વિનાની સ્વીફટમાં માસ્ક પહેરી આવેલા બે શખ્સોએ ઇકો કારને આંતર લૂંટ ચલાવી ફરાર
પોલીસે નાકાબંધી કરાવી સુર્યના ચિત્રવાળી અને ‘કા’ લખેલી કારની શોધખોળ: લૂંટમાં જાણભેદુની સંડોવણઈની શંકા
રાજકોટ-ચોટીલા હાઇવે પર આવેલા બોરીયાનેશ ગામના પાટીયા અને કનૈયા હોટલ વચ્ચે રેડીયન્ટ કેસ મેનેજમેન્ટ સર્વિસના કર્મચારી પર ધોળા દિવસે છરીથી હુમલો કરી સ્વીફટ કારમાં આવેલા બે લૂંટારા રૂા.22.44 લાખની રોકડની દિલ ધડક લૂંટ ચલાવી ફરાર થઇ જતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે સફેદ સ્વીફટ કારમાં આવેલા બંને લૂંટારાને ઝડપી લેવા નાકાબંધી કરાવી છે પરંતુ લૂંટારાના સગડ મળ્યા ન હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ થાનના આંબેડકરનગરમાં રહેતા અને છેલ્લા ત્રણેક વર્ષથી રેડીયન્ટ કેસ મેનેજમેન્ટ સર્વિસમાં કેસ કલેકશન કરી બેન્કમાં જમા કરાવવાનું કામ કરતા મયુરભાઇ ડુંગરભાઇ રાઠોડ નામના 28 વર્ષના યુવાન મોટી મોલડીથી ઇકો કારમાં બેસી ચોટીલા જતો હતો ત્યારે બોરીયાનેશના પાટીયા નજીક સફેદ સ્વીફટ કારમાં આવેલા બે શખ્સોએ છરીથી હુમલો કરી રૂા.22.44 લાખ રોકડાની સરા જાહેર લૂંટ ચલાવી ભાગી ગયાની નાની મોલડી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મયુરભાઇ રાઠોડ ગઇકાલે સવારે પોતાના ઘરેથી જી.જે.13એસએસ. 6631 નંબરના બાઇક પર થાન નજીક આવેલા જામવાળી ગામ પાસે આવેલા ગુજરાત ગેસ કંપનીના સીએનજી પેટ્રોલ પંપના કર્મચારી પંકજભાઇ પારઘી પાસેથી રૂા.5.55 લાખની રોકડ, ચોટીલા-થાન રોડ પર આવેલા ઇકોમ એકસપ્રેસની ઓફિસના કર્મચારી જીજ્ઞેશભાઇ બ્રાહ્મણ પાસેથી રૂા.92,082 રોકડા મેળવી બાઇકને ચોટીલા ધર્મશાળા પાસે મુકી ઇકો કારમાં મોટી મોલડી પાસે આવેલા રિલાયન્સના પેટ્રોલ પંપના કર્મચારી ભાસ્કરભાઇ દવે પાસેથી રૂા. 15.96 લાખ રોકડા લઇ રિલાયન્સ પેટ્રોલ પંપ ખાતે જ બેન્કની સ્લીપ ભરી ફરી ઇકો કારમાં ચોટીલાની બેન્ક ઓફ ઇન્ડિયા જમા કરવા માટે નીકળ્યો હતો.
મયુરભાઇ રાઠોડ ઇકો કારની પાછળની સીટમાં અન્ય પેસેન્જર સાથે બેસી ચોટીલા તરફ જતા હતા ત્યારે ઇકો કાર બોરીયાનેશના પાટીયાથી થોડે દુર કનૈયા હોટલ પાસે પહોચી ત્યારે પાછળથી આવેલી સફેદ કલરની સ્વીફટ કારમાં માસ્ક પહેલાં બે શખ્સોએ ઇકો ઉભી રખાવી પાછળની સીટમાં બેઠેલા મયુરભાઇ રાઠોડ કંઇ સમજે તે પહેલાં તેના પર છરીથી હુમલો કરી તેના હાથમાં રહેલો રૂા.22.44 લાખની રોકડ સાથેનો થેલો ઝૂંટી બંને શખ્સો ચોટીલા તરફ ભાગી ગયા હતા. ઇકો કારના કાચ પર સફેદ કલરથી સુર્યનું ચિત્ર હતુ અને કા લખેલું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
સ્વીફટ કારમાં આવેલા બંને શખ્સો લૂંટ ચલાવી ભાગી ગયા બાદ મયુરભાઇ રાઠોડે રાજકોટ ખાતેની પોતાની ઓફિસે ફોન કરી લૂંટના બનાવ અંગે જાણ કરી હતી ત્યાર બાદ રિલાયન્સ પેટ્રોલ પંપના કર્મચારી ભાસ્કરભાઇ દવેને જાણ કરતા તેઓ ઘટના સ્થળે બાઇક પર આવી મયુરભાઇ રાઠોડને રિલાયન્સના પેટ્રોલ પંપે લઇ ગયા બાદ 108ની મદદથી ચોટીલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો જયાંથી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.લૂંટના બનાવની જાણ થતા રાજકોટ ખાતેની રેડીયન્ટ કેસ મેનેજમેન્ટ ઓફિસના કર્મચારી સુખદેવસિંહ જાડેજા અને ઓફિસના ગુજરાત હેડ પૃથ્વીસિંહ જાડેજા આવી ગયા હતા. હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ નાની મોલડી ખાતે મયુરભાઇ રાઠોડે બંને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.
લૂંટની ઘટનામાં જાણભેદુની સંડોવણીની શંકા
મોટી મોલડીથી ચોટીલા બેન્કમાં રૂા.22.44 લાખ રોકડા જમા કરાવવા જઇ રહેલા મયુરભાઇ રાઠોડ પર સ્વીફટ કારમાં આવેલા બે શખ્સોએ છરીથી હુમલો કરી લૂંટ ચલાવ્યાની ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથધરી છે. ત્યારે મયુરભાઇ રાઠોડ સૌ પ્રથમ જામવાલી રોડ પર આવેલા ગુજરાત ગેસ સીએનજી પંપના કર્મચારી પાસેથી રૂા.5.55 લાખ રોકડા બેન્કમાં જમા કરાવવા માટે લઇ ગણતરી કરતા હતા ત્યારે અનિલ પારઘી નામનો શખ્સ ત્યાં પાણી પીવા માટે આવ્યો હતો અને તેને મારો ભાઇ મયુર પારઘી પેમેન્ટ લેવા આવતો તે કેમ નથી આવ્યો તેવું પુછતા તેનો કોન્ટ્રાકટ પુરો થઇ ગયાનું જણાવતા તે જતો રહ્યો હતો ત્યાર બાદ ત્યાંથી મયુર રાઠોડ પણ ચોટીલા આવવા નીકળી ગયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા લૂંટની ઘટનામાં જાણભેદુની સંડોવણી હોવાની શંકા સાથે પોલીસે તપાસ હાથધરી છે.