- એલ.સી.બી એ કુલ રૂ.૧.૫૯ લાખનો મુદ્દામાલ કર્યો કબજે : ચંદનના ઝાડ બતાવનાર-લેનાર 2 શખ્સોની શોધખોળ
ગીર જંગલમા આવેલી કિંમતી વનસ્પતિ ચંદન, સાગ સહિત ગેર કાયદેસર કટીંગ કરી તેની હેરાફેરી થતી અટકાવવા માટે અને જંગલ સંપત્તિની જાણવળી કરવા માટે એસ.પી મનોહરસિંહ જાડેજાની કડક સુચના હેઠળ ગીર સોમનાથ જિલ્લા એલસીબી તેમજ તાલાલા પોલીસે બાતમી આધારે તપાસ હાથ ધરતા ગેરકાયદેસર ચંદન ચોરી કરતા બે પ્રરપ્રાંતીઓને ચંદનના લાકડા સહિત મુદ્દામાલ સાથે તાલાલામાંથી ઝડપી પાડ્યા. જ્યારે અન્ય બે શખ્સોને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી હતી.
વિગતો મુજબ ગીર જંગલમાંથી ગેરકાયદેશર સફેદ ચંદનના લાકડા કટીંગ કરી ચોરી કરતા બે શખ્સો તાલાલા બસ સ્ટેન્ડ પાસે હોવાની સંયુક્ત બાતમી આધારે ગીરસોમનાથ એલસીબી તેમજ તાલાલા પોલીસે વોચ ગોઠવી હતી. બસ સ્ટેશન પાસેથી પ્રકાશ નગાજીભાઇ ચંદ્રવંશી તેમજ સંજય છત્તરભાઇ ચંદ્રવંશી દેવીપુજક બંને શખ્સોને ઝડપી લીધા હતા. તેની પાસે ગીર જંગલનું સફેદ ચંદનના કટીંગ કરેલા લાકડા આશરે 23 કિલો કિં.રૂ. 1,15,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ બંને શખ્સોની આગળની વધુ પુછપરછ કરતા મુળ મધ્યપ્રદેશ વિસ્તારમાં રહેતા અને તેજ વિસ્તારમાં રહેતા જાકીર મંડી એ તાલાલા ગીર વિસ્તારનો જાણકાર હતા. તેના કહેવાથી ટ્રેન મારફતે તાલાલા ગીર જંગલ વિસ્તારમાં આવી લાકડા કાપવાની કરવત સાથે લઇ ગીરના જંગલોમાં અંદરના ભાગે પ્રવેશ કરી ચંદનનું ઝાડ કાપી તેના નાના નાના ટુકડાઓ કરી મુસાફરી કરવાની જગ્યાએ ભરી ટ્રેન તથા બસ મારફતે મુસાફરી કરી લાલો મંડીને આ જંગલમાંથી કટીંગ કરેલા ચંદન લાકડા ચોરીનો માલ આપવાનું કબુલાત કરી હતી. આ ગેરકાયદેસર ચંદન ચોરી કરતા બે પ્રરપ્રાંતીય સહિત કુલ ચાર શખ્સો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં બે શખ્સો ફરાર હોવાથી તેને પકડી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.