જામનગરના સાધના કોલોનીમાં રહેતો એક બાવાજી પરિવાર બગધરાથી દર્શન કરી શુક્રવારે સાંજે જામનગર તરફ પરત ફરતો હતો ત્યારે લાલપુરના ખટિયા ગામની ગોળાઈમાં મોત બની દોડી આવેલું રોઝડું રિક્ષા સાથે અથડાતા રિક્ષા પલ્ટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં એક બાળકી તથા બાળકનું મૃત્યુ નિપજ્યું છે. તેઓના દાદીની હાલત નાજૂક ગણાવાઈ છે. અકસ્માતમાં અન્ય ચાર વ્યક્તિઓ પણ ઘવાયા છે.
જામનગરની સાધના કોલોનીમાં બનાવવામાં આવેલા મુખ્યમંત્રી આવાસમાં થોડા સમય પહેલા જ રહેવા આવેલા ઉમેશગીરી જીવણગીરી ગોસાઈ (ઉ.વ.૬૦) નામના બાવાજી પ્રૌઢ રિક્ષા ચલાવીને ઘર નિર્વાહ મેળવી રહ્યા છે. જ્યારે તેઓનો પુત્ર મેહુલગીરી (ઉ.વ.૩પ) કારખાનામાં મજૂરીકામ કરી પોતાના પિતા ઉમેશગીરી, માતા કંચનબેન (ઉ.વ.પપ), પત્ની સેજલબેન (ઉ.વ.૩૦) તેમજ જોડકી પુત્રીઓ ઈશિતા અને યશ્વી (ઉ.વ.૧૦) તેમજ પુત્ર ભવ્યગીરી (ઉ.વ.પ) સાથે ઘરનું ગાડું ગબડાવતા હતા.
શુક્રવારે સાંજે સાતેક વાગ્યે જ્યારે ગોસાઈ પરિવાર જામનગર પરત ફરતો હતો ત્યારે ઉમેશગીરીએ ડ્રાઈવીંગ સંભાળ્યું હતું. આ રિક્ષા જ્યારે લાલપુર તાલુકાના ખટિયા ગામ પાસે પહોંચી ત્યારે અચાનક જ નીલગાય (રોઝડું) દોડતી આડી ઉતરી હતી જેની સાથે અકસ્માત સર્જાવવાની ભીતિ દેખાતા ઉમેશગીરીએ જોરદાર બ્રેક મારી હતી જેના પગલે રિક્ષાએ પલ્ટી મારી હતી તેથી રિક્ષામાં બેસેલા કંચનબેન, સેજલબેન, મેહુલભાઈ અને ત્રણેય ભૂલકા ઈશિતા, ભવ્ય અને યશ્વીની ચીસોથી ધોરીમાર્ગ ગાજી ઉઠયો હતો.
રિક્ષા પલ્ટી મારી રોડની નીચે ઉતરી ગઈ હતી તેમાંથી ફેંકાયેલા સાતેય વ્યક્તિઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. આ વેળાએ ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકોએ થંભી જઈ ૧૦૮ તથા પોલીસને જાણ કરી હતી. દોડી ગયેલી એમ્બ્યુલન્સે ઈજાગ્રસ્તોને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડયા હતા જ્યાં ફરજ પરના તબીબોએ તેઓની યુદ્ધના ધોરણે સારવાર શરૃ કરી હતી, પરંતુ ગંભીર ઈજા પામેલા ભવ્યગીરી તથા યશ્વીએ દમ તોડયો હતો. જ્યારે ઈશિતા, સેજલબેન, ઉમેશગીરી અને કંચનબેનને સઘન સારવાર આપવામાં આવી હતી જેમાંથી કંચનબેનને હાયર સેન્ટર લઈ જવાનો અભિપ્રાય મળતા મોડીરાત્રે તેઓને રાજકોટ દવાખાને ખસેડવામાં આવ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com