- જમાઈને ધંધાકીય રીતે બેઠો કરવા પેઢી બનાવી : પુત્રીના છૂટાછેડા બાદ બંને ભાગીદારોએ કળા કરી નાખતા ગોંડલ બી ડિવિઝન પોલીસમાં ફરીયાદ
માણાવદરના વૃદ્ધ વેપારીને પૂર્વ જમાઈ સહીત બે શખ્સોંએ રૂ. 85.59 લાખનો ચૂનો ચોપડી દીધાનો બનાવ સામે આવ્યો છે. પૂર્વ જમાઈને ધંધાકીય રીત બેઠો કરવા ગયેલા વૃદ્ધએ ભાગીદારી પેઢી શરૂ કરી હતી અને પેઢીમાં રૂ. 43.59 લાખનું રોકાણ કર્યું હતું જયારે જમાઈના હિસ્સા પેટે 35 લાખનું રોકાણ તેમજ અંગત ઉપયોગ માટે સાત લાખ એમ કુલ અન્ય 42 લાખ આપ્યા હતા પણ ધોરાજીમાં રહેતા પૂર્વ જમાઈ તેમજ મવડીના શખ્સે ઠગાઈ આચરી લીધાની ફરિયાદ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસના ચોપડે નોંધાઈ છે.
મામલામાં જૂનાગઢ જિલ્લાના માણાવદર ખાતે રહેતા પોપટલાલ રણછોડભાઈ પટેલ(ઉ.વ.71)એ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં પૂર્વ જમાઈ અરવિંદભાઈ નરશીભાઈ સોજીત્રા અને બિપીનભાઈ મોહનભાઇ માવાણીનું નામ આપતાં જણાવ્યુ હતું કે, તેઓ હાલ માણાવદર ખાતે કુલદીપ જીનિંગ સ્થિત પટેલ પોપટલાલ રણછોડભાઈ પેઢીમાં પ્રોપરાઇટર તરીકે રહી કપાસ ખરીદી વેચાણનો વ્યવસાય કરુ છું. મારે સંતાનમા એક દિકરો નામે કેયુર તથા એક દિકરી નામે જુલી છે જે બન્નેના લગ્ન થઈ ગયેલ છે. મારી દિકરી જુલીના લગ્ન અરવિંદભાઈ નરશીભાઈ સોજીત્રા સાથે તા-4/5/2001 ના રોજ થયેલા અને તેની સાથે તા-3 /8/2020 ના રોજ નોટરી રૂબરૂ ત્યારબાદ તા-23/7/2021 ના રોજ કોર્ટ મારફત છુટાછેડાનો હુકમ થયેલ છે. ત્યારબાદ મારી દિકરીના પુન:લગ્ન કરતા હાલ સુરત સાસરે છે અને મારો દિકરો કેયુર તથા પુત્રવધુ રૂપા એમ બન્ને ગુવાહાટી,આસામમાં રહે છે.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, મારી દિકરીના લગ્ન થયા ત્યારે શરૂઆતમાં દીકરી-જમાઈ આશરે ત્રણેક વર્ષ અમદાવાદ મુકામે રહેલા ત્યાર બાદ રાજકોટ રહેવા આવેલા ત્યાં જમાઈએ તેનો જુનો પ્રીન્ટીંગ પ્રોસેસીંગનો ધંધો શરૂ કરેલ પરંતુ જમાઈને દારૂ પીવાની આદત હોય અને ઉગ્ર સ્વભાવ હોય જેથી તેનો ધંધો બંધ થઈ ગયેલ હતો. પરંતુ જમાઈને ધંધામા આગળ લાવવા માટે મેં જમાઈ અરવિંદ નરશી સોજીત્રા અને બિપીન મોહન માવાણી એમ ત્રણેય મળીને ઈ-સ્કીન ઈમ્પ્રેશન પ્રા. લી. કંપની તા-13/7/2014 ના રોજ શરૂ કરેલ હતી. જેમાં અમે ત્રણેય ડિરેક્ટર હતા. મારો અને મારા જમાઈનો હિસ્સો 33.33% લેખે હતો જયારે બિપિન માવાણીનો 33.34% હિસ્સો હતો. મેં મારી પેઢી પટેલ પોપટલાલ રણછોડભાઈના બેંક એકાઉન્ટમાંથી જમાઈના વ્યક્તિગત બેંક ખાતામાં 2014 થી 2017 સુધીમાં સાત લાખ રૂપિયાની આર્થિક મદદ કરેલ હતી. ઉપરાંત નવી પેઢીમાં રોકાણ પેટે 2016 થી 2018 સુધીમાં 35.59 લાખ ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં પુત્રવધુ રૂપાબેન તથા પુત્ર કેયુરના બેંક એકાઉન્ટ મારફત પેઢીના ખાતામાં રૂ. 7 લાખ ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં ફરીવાર એક લાખ એમ મળી કુલ રૂ. 43.59 લાખનું પેઢીમાં રોકાણ કર્યું હતું. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, અમે જયારે ઈ-સ્ક્રીન ઇમ્પ્રેસન પેઢી શરૂ કરી ત્યારે બિપિન માવાણીએ રૂ 18.59 લાખનું રોકાણ તેમજ જમાઈ અરવિંદ સોજીત્રાના નામે કુલ રૂ. 40.34 લાખનું રોકાણ કરવામાં આવેલ હતું. જમાઈએ કરેલ રોકાણ પૈકી રૂ. 35 લાખ મેં ચૂકવ્યા હતા જે જમાઈએ આજ દિન સુધી પરત આપ્યા નથી તેથી કાયદેસર રીતે અરવિંદ સોજીત્રાએ ફક્ત રૂ. 5.34 લાખનું જ રોકાણ કર્યાનું સ્પષ્ટ થાય છે. બાદમાં ફરિયાદી સહીત ત્રણેય ડિરેકટરોએ કોઠારીયાની સ્થાવર મિલ્કત સેન્ટ્રલ બેંકમાં મોર્ગેજ કરી રૂ. 1.32 કરોડની ફ્રેશ ટર્મ લોન અને રૂ. 15 લાખની કેશ ક્રેડિટ મેળવી હતી. અરવિંદ સોજીત્રા જમાઈ થતો હોય કંપનીને લગતા હિસાબી સાહિત્ય, શેરબુક, ચેકબુક, રજીસ્ટર સહિતના કાગળો તે જ રાખતો હતો. બાદમાં વર્ષ 2020માં પુત્રી જુલીનું અરવિંદ સોજીત્રા સાથે છૂટાછેડા થઇ ગયાં હતા પણ ઈ-સ્ક્રીન પેઢીમાં અમારી ભાગીદારી ચાલુ રહી હતી. પરંતુ અરવિંદ અને બિપિન આ ધંધો સંભાળી નહિ શકતા સેન્ટ્રલ બેંકમાંથી 31/07/2023ની સ્થિતિએ રૂ. 42,74,316 અને તેનું ચડત વ્યાજ પેટે અમે મોર્ગેજ કરેલી મિલ્કત હરરાજી કરી વસુલાત કરવાની જાણ કરવામાં આવી હતી. બાદમાં બેંકએ હરરાજી કરીને પોતાની રકમ વસૂલી લીધી હતી અને બાકીની રકમ એકાઉન્ટમાં જમા કરાવી દીધી હતી. બાદમાં વૃદ્ધએ કંપનીના ડિરેકટર તરીકે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની ગોંડલ બ્રાન્ચ મુકામે જઈને તપાસ કરતા મિલ્કતની હરરાજીમાંથી ઉપજેલી રકમ પૈકી બાકી રહેતી રકમ રૂ. 75 લાખ બેન્કની મેઈન બ્રાન્ચમાં પડેલી હોવાની જાણ થઇ હતી. વધુમાં બેંકમાંથી એવી પણ જાણ થઇ હતી કે, અરવિંદ અને બિપિન જયારે બેંક ખાતે આવ્યા ત્યારે ફરિયાદીએ ડિરેક્ટર પદેથી રાજીનામુ આપી દીધાની વાત કરી હતી પણ રાજીનામાંની નકલ જમા કરાવી ન હતી. બાદમાં વૃદ્ધએ તેમના વકીલ પાસે કાનૂની સહાય મેળવી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની ગોંડલ બ્રાન્ચ મેનેજરને 24/03/2024ના રોજ નોટીસ પાઠવી હતી કે, અમે ફરિયાદીની બોગસ સહી વાળું રાજીનામુ બેંકમાં રજુ કરવામાં આવે તો અમને જાણ કર્યા વિના કોઈ જ કાર્યવાહી કરવી નહિ ઉપરાંત મિલ્કત હરરાજી પેટે ઉપજેલી રકમ પૈકી બાકી રહેલી રકમ ત્રણેય ડિરેક્ટરોની રૂબરૂ મુલાકાત અને સંમતિ વિના રકમ કોઈને આપવી નહિ. જે બાદ સેન્ટ્રલ બેંકના મેનેજરે ફરીયાદીને ટેલિફોનિક જાણ કરી હતી કે, તા. 28/01/2022ના રોજ અરવિંદ સોજીત્રાએ તમારું રાજીનામુ બેંકમાં રજુ કરેલ છે જે રાજીનામાંની નકલમાં રાજીનામુ સ્વીકારનાર પોતે અરવિંદ સોજીત્રાએ સહી કર્યાનું જાણવા મળ્યું હતું. બાદમાં અન્ય ત્રણ લોકોને ડિરેક્ટર તરીકે ઉમેરી દેવામાં આવ્યા હતા. આમ પૂર્વ જમાઈ અરવિંદ સોજીત્રા અને બિપિન માવાણીએ કુલ રૂ. 85.59 લાખની ઠગાઈ આચરી લીધાની ફરીયાદ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે.
જમાઈને આપેલા રૂ. 42 લાખ સહિતની રકમ ચાંઉં
વૃદ્ધ ફરિયાદીએ જમાઈને પગભર કરવા ઈ-સ્ક્રીન ઈમ્પ્રેસન નામની પેઢી શરૂ કરી હતી. જેમાં ફરિયાદી 33.33%ના ભાગીદાર, પૂર્વ જમાઈ અરવિંદ નરશીભાઈ સોજીત્રા(રહે. ચિસ્તીયા મુસ્લિમ કોલોની પાછળ, ધોરાજી) 33.33%ના ભાગીદાર તેમજ બિપિન મોહનભાઇ માવાણી(રહે. ક્રિસ્ટલ હેવન, મવડી-કણકોટ રોડ, રાજકોટ) 33.34%ના ભાગીદાર રહ્યા હતા. અફ પેઢીમાં વૃદ્ધે રોકાણ માટે જમાઈને રૂ. 35 લાખ તેમજ વ્યક્તિગત મદદ માટે અન્ય સાત લાખ એમ ફક્ત 42 લાખ જમાઈને આપ્યા હતા. ઉપરાંત 43.59 લાખનું પોતે રોકાણ કર્યું હતું જે તમામ રકમ બંને શખ્સોં ચાઉં કરી ગયાં હતા.