પૂર્વ ભાગીદાર અને સગા માસિયાઈ ભાઈએ જ મનદુ:ખને કારણે ખંડણી વસૂલવા કાવતરું ઘડ્યું હોવાનો ઘટસ્ફોટ

વાંકાનેરના  સરતાનપર રોડ ઉપર બ્લાસ્ટ કરી સીરામિક કારખાનેદાર પાસેથી એક કરોડની ખંડણી માંગવા પ્રકરણમાં દોઢ માસની લાગલગાટ મહેનત બાદ એસઓજી સ્ટાફને બે આરોપીઓ ઝડપી લેવામાં સફળતા મળી છે. આશ્ચર્ય તો એ વાત નું છે કે આ ચકચારી ઘટનામાં પૂર્વ ભાગીદાર અને સગા માસિયાઈ ભાઈએ જ મનદુ:ખને કારણે ખંડણી વસૂલવા કાવતરું ઘડ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે.

આ ચકચારી ગુન્હાનો ભેદ ઉકેલાઈ જતા આજે મોરબી એસઓજી પોલીસે પત્રકાર પરિષદ યોજી વિગતો આપતા જણાવ્યું હતું કે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.ન૨૯/૨૦૧૮ ઇ.પી.કો.કલમ ૩૮૭, ૫૦૭ સ્ફોટક પદાર્થ અધિનિયમ ૧૯૦૮ નીં કલમ ૩ (એ) મુજબના કામનો ગુન્હો ગઇ તા.૨૦/૪/૧૮ ના રાત્રીના આશરે આઠેક વાગ્યાના અરસામાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર  સેરાક્રિએશન સીરામિક કારખાનાની બાજુમાં કાચા રોડ પર બનેલ છે. અને તા.૨૬/૪/૨૦૧૮ કલાક ૦૦/૩૦ વાગ્યે જાહેર થયેલ હતો.

જેમાં ફરિયાદી તથા સાહેદ તેઓની કાર લઇ ઘરે જતા હતા ત્યારે ફરિયાદી તથા સાહેદનુ મૃત્યુ નિપજાવવાનો ભય બતાવવા વિસ્ફોટક પદાર્થથી વિસ્ફોટ કરી અને આ કામના આરોપીએ ફોન કરી ફરીને તથા તેના પરિવારને ઉડાડી દેવાની તેમજ રૂપીયા એક કરોડની ખંડણી વસુલવા ફોન ઉપર ધમકી આપેલ હતી.

આ ચકચારી ગુના આરોપીઓ શોધી કાઢવા મોરબી એલ.સી.બી., સ્થાનિક પોલીસ મોરબી તથા એસ.ઓ.જી.કાર્યરત હતી દરમિયાન મોરબી પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ તપાસનિશ અધિકારી એસ.એન.સાટી તથા મોરબી એસ.ઓ.જી.ટીમ ગુનાનો ભેદ ઉકેલવા રાત-દિવસ પ્રયત્નશીલ હતી દરમિયાન એસ.ઓ.જી.પો.હેડ કોન્સ. ફારૂકભાઇ યાકુબભાઇ પટેલને મળેલ ખાનગી હકિકત આધારે આ ગુન્હાના આરોપી (૧) હિતેશભાઇ જસમતભાઇ ગામી જાતે પટેલ ઉવ.૩૬ (૨) ઘનશ્યામભાઇ કચરાભાઇ વરમોરા જાતે પટેલ ઉવ.૪૩ રહે.બંન્ને નવી પીપળી, વૃદાવન સોસાયટી તપ્.જી.મોરબી. વાળાઓને ચાર રસ્તા નજીક બનેલ પુલ નીચેથી ગુન્હામાં વાપરેલ મો.સા.હોન્ડા GJ-૩-CJ-૯૪૨૧ કી.રૂ.૧૫૦૦૦/-તથ મોબાઇલ-ર કી.રૂ.૧૦,૦૦૦/સાથે મળી આવતા તા.૭/૬/૨૦૧૮ ના રોજ ધરપકડ કરેલ છે. તેમજ આ ગુનામાં વધુ કેટલા આરોપીઓ સંડોવાયેલ તે અંગે તેમજ અગાઉ કેટલી વખત આવી ધમકીઓ આપી ખંડણી વસુલાત કરેલ છે. તે અંગેની તપાસ ગતિમાં છે.

આ કામગીરીમાં મોરબી એસ.ઓ.જી.સ્ટાફ  એ.એસ.આઇ.અનિલભાઇ ભટ્ટ તથા પો.હેડ.કોન્સ. શંકરભાઇ ડોડીયા,  જયપાલસિંહ ઝાલા,  કિશોરભાઇ મકવાણા,  પ્રવિણસિંહ ઝાલા,  મયુરધ્વજસિંહ જાડેજા,  પો.કોન્સ.નરેન્દ્રસિંહ જાડેજા,  ધર્મેન્દ્રભાઇ વાધડીયા,  ભરતસિંહ ડાભી તથા વિજયભાઇ ખીમાણીયા જોડાયેલ હતા

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.