રાજકોટના ચેતન અમલાણી સહીત 5 શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધાયો
બોડકદેવ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, 53 વર્ષના એક બિઝનેસમેન અશ્વિન ઝવેરી અને તેમના મિત્ર જીગ્નેશ રામપરાનું અપહરણ કરવા બદલ સાત શખસો વિરુદ્ધ આ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ઝવેરીની ફરિયાદ મુજબ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ રાજકોટમાં રહેતા ચેતન અમલાની અને ચાર શખસો જોન્ટી, હર્મિશ, માનવ ઠક્કર અને કુંજ વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે પણ આ દિશામાં તપાસ હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
ફરિયાદીએ પોતાની ફરિયાદમાં એવા આરોપ લગાવ્યા છે કે, તે કેનેડા અને ઓસ્ટ્રેલિયા માટે સ્ટૂડન્ટ્સ વિઝાનું કામ કરે છે. ચાર મહિના પહેલાં, નલિનભાઈ નામના શખસ સાથે તેમની મુલાકાત થઈ હતી. આ દરમિયાન તેઓએ અમલાનીનો સંપર્ક કરાવ્યો હતો. આ શખસે એવું કહ્યું હતું કે, તે યશોદાનંદ ગીર ગાય ટ્રસ્ટમાં કેટલાંક રુપિયા ટ્રાન્સફર કરવા માગે છે. એ પછી ગુરુવારના રોજ અમલાની સાથે મીટિંગ થઈ હતી. હર્મિશ અને જોન્ટી પણ હાજર હતો. આ મીટિંગ તાજ હોટલ પાસે થઈ હતી અને પછી ત્યાંથી રુપિયા ટ્રાન્સફર કરવા માટે વી પટેલ આંગડિયા પેઢીમાં ગયા હતા. અમલાની બે કરોડ રુપિયા ટ્રાન્સફર કરાવવા માગતો હતો.
ફરિયામાં એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે, તેમની પહેલના કારણે રુપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એ પછી ત્રણેય આરોપીઓ તેમને બળજબરી કારમાં બેસાડીને લઈ ગયા હતા. બીજી તરફ, તેમના મિત્રો જીગ્નેશ રામપરા અને નરેન્દ્રસિંહ બીજી કારમાં તેમને ફોલો કરી રહ્યા હતા. એ પછી ફરિયાદીને આંબાવાડી વિસ્તારમાં આવેલી પીજી હોસ્ટેલ લઈ ગયા હતા. તેમના મિત્ર જીગ્નેશને એક રુમમાં રાખવામાં આવ્યો હતો. એ પછી આરોપી અમલાની તેના મિત્ર માનવ ઠક્કર સાથે આવ્યો હતો અને તેમને માર માર્યો હતો.
એ પછી અમદુપુરા વિસ્તારમાં આવેલી એક ઓફિસમાં લઈ ગયા હતા. બાદમાં ફરીથી પીજી હોસ્ટેલમાં લઈને આવ્યા હતા. આખરે તેઓને સેટેલાઈટ પોલીસ સ્ટેશન નજીક છોડી દેવામાં આવ્યા હતા. ફરિયાદીનું કહેવું છે કે, આ ઘટના બાદ તેઓ સારવાર માટે હોસ્પિટલમાં ગયા હતા. શુક્રવારના રોજ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી.