અકસ્માતમાં ઉનાના વૃદ્ધા અને પોરબંદરના આધેડ બન્યા કાળનો કોળિયો: બે ગંભીર
લીંબડી તાલુકાના કાનપરા ગામ પાસે વહેલી સવારે બંધ ટ્રક પાછળ ખાનગી બસ ઘૂસી જતા ઉના ગામના વૃધ્ધા અને પોરબંદરના આધેડનું કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકોની હાલત ગંભીર હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ઘટનાની જાણ થતા પાણસીણા પોલીસ મથકના પીએસઆઇ રાજદિપસિંહ જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે રક્તરંજિત બની જવા પામ્યા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે આજે વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ લીંબડી હાઇવે ઉપર ખાનગી ટ્રાવેલ્સ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે ઘટના સ્થળે જ બે લોકોના મોત નિપજ્યા છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે ઉપર આવેલા કાનપરા ગામના પાટિયા પાસે બંધ પડેલા ટ્રક પાછળ ખાનગી બસ અથડાતા ઘટનાસ્થળે બે લોકોના મોત નિપજ્યા છે અન્ય બેને ગંભીર ઈજાઓ થવા પામી છે અને 30 લોકોનો આજુબાજુના લોકો દ્વારા આબાદ બચાવ કરાવી લેવામાં આવ્યો છે અને જે નાની મોટી ઈજાઓ પહોંચી છે જેમને લીંબડી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા છે.
મળતી વિગત અનુસાર લીંબડી હાઇવે ઉપર સવારે પાંચ વાગ્યે મુંબઈ થી પોરબંદર તરફ જઇ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસનો અકસ્માત ટ્રક સાથે થયો છે. ડ્રાઈવરને ઝોકુ આવી જતા ટ્રાવેલ્સ ચાલક દ્વારા ટ્રકની પાછળ ધડાકાભેર બસ અથડાવતા ઘટનાસ્થળે જ બે લોકોના મોત નિપજ્યા છે. બંનેને પીએમ અર્થે લીંબડી સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે અને અન્ય બેને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર હેઠળ લીંબડી ખાતે રાખવામાં આવ્યા છે.
ત્યારે બાબતની જાણકારી લીંબડી પોલીસને કરતાં તાત્કાલિક પડે હાઇવે ઉપર લીંબડી પોલીસ દોડી ગઇ હતી અને લીંબડી ડીવાયએસપી ચેતનભાઇ મુંધવા પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને રોડ રસ્તા ખુલ્લા કરાવવાની કામગીરી આરંભી હતી ત્યારે અકસ્માતના પગલે ગુનો દાખલ કરી અને આ મામલે વધુ પોલીસ તપાસ લીંબડી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.