નાવડા સંપના રિપેરીંગ અંગેનું નિરિક્ષણ કરી પરત આવતા જીવલેણ અકસ્માત સર્જાયો
ભાવનગર-અમદાવાદ હાઇ-વે પર બરવાળા નજીક ટ્રક અને કાર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં પાણી પુરવઠા અધિકારી અને તેની કારના ચાલકના મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત વિગત મુજબ નાવડા સંપમાં ખરાબીનું નિરિક્ષણ કરવા ગયેલા પાણી પુરવઠા અધિકારી પ્રવિણકુમાર ભીખાલાલ પટેલ તેમની કાર લઇ પરત આવી રહ્યા હતા. પાણી પુરવઠા અધિકારીની જી.જે.૧૪ટી. ૭૬૨૩ નંબરની ફિયાટ કારના ચાલક અસ્લમભાઇ જમાલભઆઇ કાલવા બરવાળા નજીક રાજભવન હોટલ પાસે પહોચ્યા ત્યારે સામે ભાવનગરથી અમદાવાદ તરફ જઇ રહેલા જી.જે.૪એકસ. ૭૨૦૮ નંબરના ટ્રક સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
ભારે વરસાદના કારણે માર્ગ પર મોટા ખાડા પડી જવાના કારણે કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાતા ગંભીર રીતે ઘવાયેલા પાણી પુરવઠા અધિકારી પ્રવિણકુમાર ભીખાલાલ પટેલનું ઘટના સ્થળે અને અસ્લમભાઇ જમાલભાઇ કાલવાનું ભાવનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજયું છે.
કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતના કારણે બરવાળા નજીક ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોચી અકસ્માતમાં ભાંગીને ભૂકો થયેલા બંને વાહન દુર હટાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.