અમદાવાદથી પરત ફરતી વેળાએ કાળ ભેટ્યો: બે લોકો ઈજાગ્રસ્ત
લીંબડી હાઇવે ફરી એકવાર ગોઝારો બન્યો છે. જેમાં ડમ્પર પાછળ સ્વીફ્ટ ડિઝાયર કાર ઘુસી જતા સુરેન્દ્રનગરના કારખાનેદાર સહિત બે લોકોના મોત થયા હતા. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લીંબડી નજીક ઝાખણ પાસે ગત મોડી રાત્રીના થયેલા ગોઝારા અકસ્માતમાં સુરેન્દ્રનગરના કારખાનેદાર કેશુભાઈ કુંવરજીભાઇ નંદાણીયા અને તેની સાથે કામ કરતા જગદીશભાઈ અણદાભાઈ દાણા નામના વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે તેમાં સવાર અન્ય બે લોકો કાર્તિકભાઈ અને લલિતભાઈ ગંભીર રીતે ઘવાતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગેની જાણ થતાં લીંબડી પોલીસ મથકના પીએસઆઈ સી.પી. બાવળિયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક કેશુભાઈ અને જગદીશ તથા કાર્તિક અને લલિત આમ ચારેય જીજે 03 કેસી 9066 નંબરની સ્વીફ્ટ ડીઝાયરમાં અમદાવાદ ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ લીંબડી પાસે ડમ્પર સાથે અકસ્માત સર્જાતા બેના મોત થયા હતા. મૃતક કેશુભાઈને સુરેન્દ્રનગરમાં મારુતિ સિરામિક અને થાનમાં ધારા મીટીકુલ નામના ફેકટરી ધરાવતા હતા. એક સાથે બે લોકોના મોતથી બંને મૃતકોના પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. પોલીસે ઘટનાની નોંધ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.