13 ડિસેમ્બર, 2001માં સંસદ પર હુમલો થયો હતો. આજે 22મી વરસીએ જ સંસદની સુરક્ષામાં મોટી ચૂકની ઘટના સામે આવી છે. આજે લોકસભાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે પ્રેક્ષક ગેલેરીમાંથી બે શખસ કૂદ્યા હતા અને દોડ્યા હતા. તેને જોતાં જ સાંસદો ડરી ગયા હતા અને લોકસભામાં અફરાતફરીનો માહોલ બની ગયો હતો. બંને પકડાઈ ગયા છે. તેમની પાસેથી કલર સ્મોક સેલ મળી આવ્યા છે. સંસદમાં ડબ્બો ફેંકીને પીળો ધૂમાડો છોડ્યો હતો.
પ્રેક્ષક ગેલેરીમાંથી નીચે કૂદી બન્ને શખ્સોએ નારેબાજી કરી, સાંસદોએ હિંમત બતાવી એક શખ્સને ઘેરી લીધો
કુલ 4 લોકો હતા, બે લોકોએ બહાર સ્મોક ક્રેકર સાથે વિરોધ દર્શાવ્યો : ચારેયને પકડી લેવાયા બાદ સંસદની કાર્યવાહી પુન: શરૂ કરાઈ
સંસદના શિયાળુ સત્રનો આજે આઠમો દિવસ છે ત્યારે લોકસભામાં ચાલુ કાર્યવાહી દરમિયાન બે વ્યક્તિઓ ઓડિયન્સ ગેલેરીમાંથી નીચે કૂદી પડ્યા હતા. સાંસદોએ બંને શખ્સોને ઘેરી લીધા હતા. લોકસભાની સુરક્ષામાં લાગેલા માર્શલો પણ તરત જ દોડી આવ્યા હતા અને બંનેને પકડી લીધા હતા.
આ ઘટના બુધવારે બપોરે 1.01 કલાકે બની હતી. પ્રિસાઇડિંગ ઓફિસર રાજેન્દ્ર અગ્રવાલ લોકસભામાં ઝીરો અવરની કાર્યવાહી ચલાવી રહ્યા હતા. માલદા ઉત્તરના બીજેપી સાંસદ ખગેન મુર્મુ પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા. ત્યારબાદ પ્રેક્ષક ગેલેરીમાંથી બે વ્યક્તિ નીચે કૂદી પડ્યા.
વાદળી જેકેટ પહેરેલા એક યુવકે સાંસદોની સીટ પર કૂદવાનું શરૂ કર્યું. તેણે લગભગ ત્રણ પંક્તિઓ વટાવી અને સીટ તરફ ચાલવા લાગ્યો. અરાજકતાના માહોલ વચ્ચે કેટલાક સાંસદોએ હિંમત બતાવીને તેમને ઘેરી લીધા હતા. માર્શલ પણ દોડતો આવ્યો. ત્યારબાદ યુવકે જૂતાની અંદરથી કોઈ પદાર્થ બહાર કાઢ્યો હતો. આ પછી ત્યાં પીળો ધુમાડો નીકળવા લાગ્યો. બાદમાં સાંસદો અને માર્શલો સાથે મળીને બંનેને પકડી લીધા હતા. આ પછી પ્રિસાઇડિંગ ઓફિસરે કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.
અફરાતફરી વચ્ચે મોહન કુંડારિયાએ હિંમત દાખવી શખ્સને ઘેર્યો
સંસદમાં બે શખ્સો ઘૂસી ધુમાડો છોડતા અફરાતફરી સર્જાઈ હતી. ડરનો માહોલ સર્જાયો હતો. તેવામાં બંને શખ્સોને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા અને મુંબઈના સાંસદ મનોજ કોટકે ઘેર્યા હતા અને બંને શખ્સોને ઝડપી લીધા હતા. લોકસભામાં અફરાતફરીના માહોલ વચ્ચે આ બન્ને સાંસદોએ હિંમત દાખવીને બંને શખ્સોને પકડી પાડ્યા હતા.
આ વ્યક્તિ સાંસદના મહેમાન તરીકે આવ્યો હતો
ઓડિયન્સ ગેલેરીમાં કૂદી ગયેલા બે લોકોમાંથી એક મૈસુર સાંસદના મહેમાન બનીને સંસદમાં પહોંચ્યો હતો. તેનું નામ સાગર હોવાનું કહેવાય છે. બીએસપીના હકાલપટ્ટી કરાયેલા સાંસદ દાનિશ અલીએ પણ જણાવ્યું કે પકડાયેલા એક યુવકનું નામ સાગર છે. ઉલ્લેખનીય છે કે પ્રતાપ સિંહા મૈસૂરથી ભાજપના સાંસદ છે.
4 લોકો હતા, બે સંસદની અંદર અને બે બહાર હતા
જાણવા મળી રહ્યું છે કે કુલ 4 લોકો હતા જેમાં બે સંસદની અંદર અને બે સંસદની બહાર હતા. બે લોકોએ સંસદની અંદર ધુમાડો છોડ્યો. ધરપકડ કરાયેલી મહિલાની ઓળખ હિસારની રેડ સ્ક્વેર માર્કેટમાં રહેતી 42 વર્ષની કૌર સિંહની પુત્રી નીલમ તરીકે થઈ છે. જ્યારે બીજી વ્યક્તિની ઓળખ લાતૂરના ધનરાજ શિંદના પુત્ર અમોલ શિંદે તરીકે થઈ છે.