ઘરેથી રમવા જવાનું કહી ગયેલા બંને મિત્રોના મૃતદેહ પરત ફર્યા
શહેરના લાપાસરી રોડ પર આવેલા ડેમમાં ન્હાવા ગયેલા બે જીગરજાન મિત્રોના ડુબી જવાથી મોત નિપજયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ન્હાતી વખતે એક મિત્ર ડુબવા લાગતા તેને બચાવવા બીજા મિત્રએ પણ છલાંગ લગાવતા બંનેના મોત નિપજયા હતા. બંને મિત્રોના મોતથી પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા સોલવન્ટમાં રહેતો યશ દિપકભાઈ દાણીધારીયા (ઉ.વ.૧૬) અને એજ વિસ્તારમાં રહેતો રાજ રાજેશભાઈ દાતી (ઉ.વ.૧૬) રહેતા અન્ય એક મિત્ર સાથે લાપાસરી રોડ પર આવેલા ડેમમાં આજે બપોરે ન્હાવા માટે ગયા હતા જયાં યશ અને રાજ ન્હાવા ડેમમાં પડયા હતા જયારે ત્રીજો મિત્ર બહાર બેઠો હતો. જેના પરીણામે બંને પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બંને મિત્રોને પાણીમાં ડુબતા જોઈ ત્રીજો મિત્ર ત્યાંથી નાસી ગયો હતો.
જયારે ગુલાબનગરના રહેવાસીઓ મોબાઈલમાં ફોટા પડાવવા જતા આ દ્રશ્ય જોય તેના પરીવારજનોને જાણ કરી હતી. આજીડેમ પોલીસને જાણ કરાતા સ્ટાફ ફાયર બ્રિગેડના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો.ફાયર બ્રિગેડના જવાનોએ બંને મિત્રોને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા.
વધુ વિગતમાં જાણવા મળ્યા મુજબ મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, યશ એકની એક બહેનનો એકલોતો ભાઈ હતો. જયારે મૃતકના પિતા સોમનાથ ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં વેલ્ડીંગનું કારખાનું ધરાવે છે. જયારે રાજના પિતા મજુરી કામ કરે છે અને તે ત્રણ ભાઈ અને એક ભાઈમાં નાનો હતો અને બંને મિત્રો રાજકોટ નજીક ઢોલરા નજીક આવેલી સરદાર સ્કુલમાં ધો.૧૦માં અભ્યાસ કરતા હતા.
બંને મિત્રો શાળાએથી બપોરે ઘરે આવી અન્ય એક મિત્ર સાથે ઘરે રમવાનું કહી ડેમમાં ન્હાવા ગયા હતા અને ડેમમાં ન્હાવા પડેલા બંને મિત્રોના આકસ્મિક મોતથી બંનેના મિત્રોના પરીવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસે બંને મૃતદેહને પીએમ અર્થે ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.