૩૦ થી વધુ વાહનોમાં આગ ચાંપવામાં આવી: ધ્રાંગધ્રા, હળવદ તરફ જતી એસટી બસો બંધ: સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રામાં ડીએસપી, ડીવાયએસપી, એસઆરપી સહિતનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
હળવદ જીઆઇડીસી પાસે થયેલા ફાયરિંગમાં બે હત્યા તથા વ્યકિત ઘાયલ થયાના પડઘા ધ્રાંગધ્રા, થાન અને સુરેન્દ્રનગર શહેરમાં પણ પડયા હતા. મિનિટોના સમયમાં સમગ્ર શહેર બંધ થઇ ગયુ હતુ અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ખડકી દેવામાં આવી હતી. ધ્રાંગધ્રા ખાતે ગુરુવારે ઇન્દ્રસિંહ ઝાલાના બેસણામાં હાજરી આપી સૌરાષ્ટ્ર તરફ ક્ષત્રિય સમાજના લોકો કારના મોટા કાફલા સાથે જઇ રહ્યા હતા ત્યારે હળવદ ઠાકરધણીના મંદિર પાસેથી પસાર થતા તકરાર થઇ હતી. દરમિયાન મામલો બીચકાતા ફાયરિંગ કરવામાં આવ્યા હતા. હળવદ ખાતે ફાયરિંગમાં ગોલાસણ ગામના રાણાભાઇ ભાલુભાઈ ભરવાડનું મૌત નીપજ્યું હતું….જયારે ધ્રાંગધ્રાના સોલડી ખાતે પણ બંને જુથ્થો વચ્ચે અથડામણમાં બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી જેમાં સારવાર દરમિયાન રાણાભાઇ બાબુભાઇ ભરવાડ રહે સોલડી વાળાનું મૌત નીપજ્યું હતું…હત્યા તેમજ આગ લગાડવાની ઘટનાઓની વાત વાયુવેગે પ્રસરી જતાં મિનિટોમાં હળવદ હાઇવે તથા ગામમાં ટપોટપ દુકાનો બંધ થવા લાગી હતી. પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી થતા પોલીસે સતત પેટ્રોલીંગ ચાલુ કરી મામલો થાળે પાડવા દોડધામ શરૂ કરી હતી. હત્યાના બનાવને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર પસાર થવુ જોખમી બની ગયુ હતુ. નિર્દોષ મુસાફરો રોષે ભરાયેલા લોકોના ટોળાનો ભોગ ન બને તે માટે પોલીસ દ્વારા કચ્છથી અમદાવાદ અને અમદાવાદથી કચ્છ તરફ જતી આઠ જેટલી બસોના મુસાફરોને હળવદ પોલીસ મથકમાં આશરો આપ્યો હતો. તેવી રીતે વઢવાણ અને સુરેન્દ્રનગરમાં પણ બસો થોભાવી મુસાફરોને સુરક્ષિત કરાયા હતા.
હળવદમાં બનેલી ઘટનાને પગલે ધ્રાંગધ્રામાં પણ લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા. રોષે ભરાયેલા લોકોના ટોળાએ બે દુકાનોને આગ ચાંપી હતી. આથી પોલીસે લોકોને વીખેરવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જયારે સોલડી પાસે પણ ટોળા આમને સામને આવી ગયા બાદ પથ્થરમારો થયો હતો. આથી ઘટનાસ્થળે દોડી પહોંચેલી પોલીસે લાઠીચાર્જ કરી ટીયરગેસના સેલ છોડયા હતા. ધ્રાંગધ્રા હળવદ હાઇવે પર ઘણી જગ્યાએ વાહન તથા દુકાનો સળગાવવાના બનાવો બન્યા છે.સુરેન્દ્રનગરમાં હત્યાના સમાચાર મળતા તંગદિલી સાથે અફવાઓનું બજાર ગરમાયુ હતુ. શહેરમાં તોફાન થયાના સમાચાર વાયુવેગે ફેલાતા લોકોમાં ભય ફેલાયો હતો. આથી મિનિટોના સમયમાં સમગ્ર શહેર બંધ થઇ ગયુ હતુ. સુરેન્દ્રનગરમાં પણ સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. ઘટનાને પગલે સમગ્ર જિલ્લામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.