ચાર દિવસ પહેલા જ નોકરીએ લાગેલા કંડકટરને ગંભીર ઈજા

ઉપલેટાલીંબુડા વાયા ઈન્દ્રા ગામની બસ ગઈકાલે બપોર બાદ ડ્રાઈવરે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા રોડ નીચે ઉતરી જતા બસમાં મુસાફરી કરતા એક વ્યકિતનું ઘટનાસ્થળે મોત થયેલ હતું જયારે ભિંડોરા ગામના સરપંચના પિતાનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતા ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી.

પ્રાપ્ત થતી વિગત મુજબ ઉપલેટા એસ.ટી.ડેપોની બસના ડ્રાઈવર અરજણભાઈ બી.ભારાઈ બપોરે ૧૨:૫૦ મિનિટે ઉપલેટા એસ.ટી.ડેપોમાંથી ૧૭ વિદ્યાર્થી અને ૧૭ મુસાફરો લઈને નિકળી હતી. બસ શહેરની બહાર ૩ કિલોમીટર દુર પહોંચી હતી ત્યારે પાટણવાવ તરફથી આવી રહેલ વાહનને રસ્તો આપવા જતા બસ રોડ નીચે ઉતરી જતા સિમેન્ટના ખાંભા સાથે ધડાકાભેર અથડાતા બસમાં મુસાફરી કરી રહેલા ભિંડોરા ગામના કાતાભાઈ ગાંડુભાઈ છૈયા (..૩૮)નું ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે ભિંડોરા ગામના સરપંચના પિતા રામભાઈ રાજાભાઈ જળુ (..૬૨) રહે.ભિંડરાવાળાનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જયારે ગંભીર ઈજા પામનાર બસના કંડકટર ધ્રાંગુ બિરજુભાઈ નારણભાઈ (..૩૫) રહે.વેરવા અને ધીરજલાલ માવજીભાઈ કરડાણીને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે ૨૦ જેટલા મુસાફરોને ઈજા થતા ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી.

બનાવની જાણ થતા જ લાઠ ગામના સરપંચ પૃથ્વીસિંહ ચુડાસમા, ડેપો મેનેજર એ.એન.પઢારીયા, પી.આઈ પલ્લાચાર્ય સહિત પોતાની ટીમ લઈ બચાવકાર્ય કરવા પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં મદદ કરી હતી. આ અકસ્માતમાં મોતને ભેટનાર બંને મુસાફરો ભિંડોરા ગામના હોવાથી ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. જયારે બસમાં મુસાફરી કરી રહેલા ૧૭ જેટલા વિદ્યાર્થીઓને કોઈ મોટી ગંભીર ઈજા થવા પામી નહોતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.