છોકરાઓની તકરારના કારણે પંદર દિવસ પહેલાં એક્ટિવા પર આવી ફાયરિંગ કરી ફરાર થયા’તા: બંનેને રિમાન્ડ પર લેવા તજવીજ
શહેરના રૈયા રોડ પર આવેલા સંવેદનશીલ ગણાતા નહેરૂનગર વિસ્તાર રહેતા ઘાચી પરિવારના મકાન પર ગત તા.૩૧ જાન્યુઆરીએ ભીસ્તીવાડના શખ્સોએ ફાયરિંગ કરવા ગુનામાં સંડોવાયેલા બંને શખ્સોને ગોંડલ ચોકડી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ, તમંચા અને એક્ટિવા સાથે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લીધા છે.
નહેરૂનગર મેઇન રોડ પર રહેતા સુલતાનાબેન રજાકભાઇ કારીયાણી નામની ૩૮ વર્ષની મહિલાએ ભીસ્તીવાડના વસીમ દલવાણી અને તેની સાથે આવેલા અજાણ્યા શખ્સે પિસ્તોલ જેવા હથિયારથી ફાયરિંગ કર્યાની ગાંધીગ્રામ પોલીસમાં ગત તા.૩૧ જાન્યુઆરીની રાતે ફરિયાદ નોંધાવી હતી.
અલ્લાઉદીન કારીયાણીના પુત્ર સુલતાનના મિત્ર ધીમત ગૌસ્વામીને ગ્રીનલેન્ડ ચોકડી પાસે વસીમ દલવાણી સાથે બે-ત્રણ માસ પહેલાં ઝઘડો થયો હોવાથી ગતરાતે વસીમ દલવાણી બાઇક પર પોતાના સાગરીત સાથે નહેરૂનગરમાં ઘસી આવ્યા બાદ દરવાજો ખટખટાવતા સુલતાનાબેન રજાકભાઇ કારીયાણીએ દરવાજો ખોલતાની સાથે જ અલ્લાઉદીન કયાં છે તેમ પૂછી વસીમ દલવાણીએ પોતાની પાસે રહેલી પિસ્તોલમાંથી ફાયરિંગ કરતા સુલતાનાબેન કારીયાણી પોતાનો જીવ બચાવી મકાનમાં જતા રહ્યા હતા.
આંગડીયાનો ધંધો કરતા અલાઉદીન કારિયાણીના મકાન પર ફાયરિંગના ગુનામાં સંડોવાયેલા જંકશન પ્લોટ પાસે ગાયકવાડીમાં રહેતા વસીમ જુસબ દલવાણી અને જામનગર રોડ પર સાંઢીયા પુલ પાસે રહેતા મહેબુબ ઉર્ફે મેબલો ફિરોઝ અધામની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. ડી.પી.ઉનડકટ, સંતોષભાઇ મોરી અને સંજયભાઇ રૂપાપરા સહિતના સ્ટાફે ગોંડલ ચોકડી પાસેથી બાતમીના આધારે ધરપકડ કરી તેની પાસેથી દેશી બનવાટની પિસ્તોલ, તમંચો અને એક્ટિવા સાથે ધરપકડ કરી છે. નહેરૂનગરમાં ભાજપ અગ્રણી ઇલીયાસખાન પઠાણ અને તેના પુત્રની હત્યા, વિદેશી દારૂનું છુટથી વેચાણ, ક્રિકેટ સટ્ટા ઉપરાંત આંતકી સંગઠન સાથે સંકળાયેલા નઇમ અને વસીમ પણ નહેરૂનગરમાં જ રહેતા હોવાથી આ વિસ્તાર વધુને વધુ સવેદનસીલ બની રહ્યો છે. પોલીસ દ્વારા નહેરૂનગરમાં કોમ્બીગ કરી ઘરે ઘરની તપાસ કરવામાં આવે તો પણ કેટલાકના મકાનમાંથી ચોકાવનારી વિગતો સાથેની સામગ્રી મળે તેમ હોવાનું જાણકારો કહી રહ્યા છે.
વસીમ અને મેબલોએ પિસ્તોલ અને તમંચો કયાંથી મેળવ્યા અને તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે તે અંગેની વિગતો મેળવવા બંનેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.
ફાયરિંગના ગુનાની સાથે અન્ય ત્રણ ગુનાનો ભેદ ઉકેલાયો
નહેરૂનગરમાં આંગડીયા પેઢીના ધંધાર્થીના મકાન પર ફાયરિંગ કરવાના ગુનામાં ઝડપાયેલા વસીમ જુસબ દલવાણી અને મહેબુબ ઉર્ફે મેબલો ફિરોજ અધામની પિસ્તોલ અને તમંચા સાથે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી પૂછપરછ કરતા તાજેતરમાં જ હથિયારના ગુનામાં ઝડપાયેલા ઇમ્તીયાઝ પાસેથી હથિયાર ખરીદ કર્યાની કબુલાત આપી હતી. વસીસ દલવાણીએ ગ્રીનલેન્ડ ચોકડી પાસે ગેરેજ સંચાલક સાથે ત્રણેક માસ પહેલાં બઘડાટી બોલાવી ત્યારે તેની સાથે સોહિલ નામના શખ્સની સંડોવણી બહાર આવી હતી. સોહિલ હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં ગેંગ રેપના પ્રયાસના ગુનામાં સંડોવાયો હોવાનું જ્યારે પોપટપરા નાલા પાસે ચાર દિવસ પહેલાં થયેલા ફાયરિંગની ઘટનામાં વપરાયેલું હથિયાર પણ મહંમદ ગોલીના પૌત્રને ઇમ્તીયાઝે આપ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યાનું પત્રકાર પરિષદમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું અને રીઢા શખ્સોને આશરો આપનાર શખ્સો સામે પણ કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.