ગત વર્ષ કરતાં કેસમાં ઘટાડો: શિયાળામાં તકેદારી રાખવા તંત્ર દ્વારા સુચના
સ્વાઇન ફલુના દર્દીઓમાં ગયા વર્ષ કરતાં આ વર્ષે ઘટાડો જોવા મળી રહ્યો છે. છતાં પણ છેલ્લા ર૪ કલાકમાં રાજકોટમાં સીઝનલફલુ હેઠળ સારવાર લેતા બે દર્દીઓના મોત નિપજયાં છે. તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ૧લી સપ્ટેમ્બરથી ૩૧મી ઓકટોમ્બર સુધી ૧ર૭ જેટલા કેસ નોંધાયા છે. જેમાં ૩૩ દર્દીઓના મોત નિપજયા છે. શરદી જેવા સામાન્ય રોગ સામે સમયસર સારવાર ન લેતા સ્વાઇનફલુ કેસમાં વધારો થઇ રહ્યો છે.
છેલ્લા ર૪ કલાકમાં રાજકોટની ખાનગી હોસ્પિટલમાં બે દર્દીઓના મોત નિપજયાં છે. અને વધુ ત્રણ કેસ પોઝીટીવ નોંધાયા છે. શહેરના કાલાવડ રોડ પર રહેતા ૬૪ વર્ષીય વૃઘ્ધ અને મોરબીના પ૦ વર્ષીય પ્રૌઢે સ્વાઇનફલુ સારવાર દરમિયાન દમ તોડતા ચાલુ સીઝનમા મૃત્યુઆંક ૩૩ સુધી પહોંચી રહ્યો છે. જયારે રાજકોટના કાલાવડ રોડ પરના ૬ર વર્ષીય વૃઘ્ધ, સુંદરમ પાર્કમાં રહેતા ૬૦ વર્ષીય વૃઘ્ધ અને રાજકોટના ઉમરાણી ગામના પ૮ વર્ષીય પ્રૌઢના નમુના તપાસતાં રિપોર્ટ પોઝીટીવ આવતાં કુલ ૧૨૭ કેસ સ્વાઇનફલુમાં નોંધાયા છે.
હાલ ૧૧ જેટલા દર્દીઓ રાજકોટની અલગ અલગ હોસ્૫િટલોમાં સારવાર લઇ રહ્યા છે. ગત વર્ષની સરખામણી કરીએ તો ૨૦૧૭માં માત્ર શહેરમાં જ ૧૦૦ જેટલા કેસ અને ૪૭ મોત થયા હતા. જયારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારોમાં ૧૩પ કેસ સામે ૩પના મોત થયા હતા.
ગત વર્ષે સ્વાઇનફલુએ ભારે કહેર વરસાવતા આરોગ્ય તંત્રે સર્વેણન્સની કામગીરી વધુ મજબુત બનાવી હતી. વધુમાં ઉમેરતા આરોગ્ય તંત્ર દ્વારા સુચના જાહેર કરવામાં આવી હતી. કે ઠંડી જામશે ત્યારે ફરી સ્વાઇનફલુના કેસોમાં વધારો જોવા મળશે ત્યારે જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે. કે રોગના પ્રાથમીક લક્ષણો સામે જો સમયસર સારવાર કરવામાં આવે તો સરળતાથી તેનાથી બચી શકાય છે.
વાતાવરણમાં પલટો આવતાની સાથે ફલુના કેસમાં વધારો થતો જોવા મલી રહે છે. ત્યારે ગયા વર્ષના કહેર સામે ચાલુ વર્ષે સ્વાઈનફલુના કેસમાં આરોગ્ય તંત્ર દ્વારા મજબૂત કામગીરી બાદ કેસના દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સાથે આરોગ્ય તંત્ર દ્વારા જાહેર જનતાને પણ સૂચના આપવામાં આવી છે કે કોઈપણ સામાન્ય શરદી, ઉધરસ જેવા રોગને પણ સામાન્ય ન ગણતા સમયસર સારવાર લઈ નિદાન કરાવું સમયસર સારવાર ન મળતાં સ્વાઈનફલુ ના કેસમાં વધારો થવાની શકયતાઓ રહે છે.
૨૦૧૭માં રાજકોટ શહેર અને જીલ્લામાં સ્વાઈનફલુ હેઠળ ૩૩૫ કેસ નોંધાયા હતા જેમાં ૭૩ દર્દીઓના મોત થયા હતા ચાલુ વર્ષે રાજકોટ ગ્રામ્યમાં જાન્યુઆરીથી ઓકટોબર સુધી ૩૫ કેસ નોંધાયા છે. જે પૈકી ૭ દર્દીઓના મોત નિપજયા છે. જયારે રાજકોટ શહેરમાં જ ૩૭ જેટલા પોઝીટીવ કેસ નોંધાયા છે.ક જેમાંથી કુલ ૯ દર્દીઓના મોત નિપજયા છે. ગત વર્ષની સરખામણીમાં જેટલા મોત થયા હતા આ વર્ષે તેટલા પ્રોઝીટીવ કેસો નોંધાયા છે.
વધુમાં સ્વાઈનફલુથી સરળતાથી બચવા માટે જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એમ. કતીરાએ જણાવ્યું હતુ કે, જો શરદીની દવા લીધા બાદ પણ તબીયતમાં સુધારો ન આવે તો તરંત એમબીબીએસ અથવા તો આરોગ્ય કેન્દ્રમાં સરકારી તબીબ પાસે જવું જોઈએ સરકારી આરોગ્ય કેન્દ્રમાં આવા રોગ માટે ખાસ તાલીમ અપાઈ હોય છે. તબીબ દ્વારા યોગ્ય તપાસ કરી દવા આપવામાં આવે છે. અને જો ઈન્ફેકશન જેવું જણાય તો ટેમી ફલુ આપવામાં આવે છે. ટેમીફલુ દ્વારા સ્વાઈનફલુના ઈન્ફેકશનને અટકાવી વધતા જતા ખતરા સામે ઉપચાર કરવામાં આવે છે.
જીલ્લા રોગ નિયંત્રણ અધિકારી ડો. નિલેશ રાઠોડે જણાવ્યું હતુ કે, આ રોગ હવાથી ફેલાતો હોય એટલે તેને અટકાવવા માટે ઈન્ફેકશનને શઆતમાં જ અટકાવું પડે છે. શરદી સામે ઘરગથ્થુ ઉપચાર કરી પાંચ છ દિવસ પસાર ન કરતા સમયસર તબીબ પાસે સારવાર લેવાથી સ્વાઈનફલુને વધતો અટકાવી શકાય છે. મોટાભાગના કેસ શરદીમાં બેદરકારીને કારણે ન્યુમોનીયા થવાના હોય છે. જેના માટે સીવીલ હોસ્પિટલમાં ખાસ સ્વાઈનફલુ વોર્ડ છે જેમાં એક સાથે ૩૨ દર્દીઓની સારવાર થઈ શકે છે.