આજથી કોર્પોરેશનમાં વિરોધ પક્ષના કાર્યાલયને તાળા: ભાનુબેન સોરાણીએ કાર પણ પરત સોંપી: ચૂંટાયેલા પ્રતિનિધિ હોય જનતાના પ્રશ્નો સાંભળવા ઓફિસ ફાળવવા મેયરને કરાઇ રજૂઆત
રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોએ બહુમતીના જોરે જુનાગઢવાળી કરી છે. માત્ર બે જ કોર્પોરેટરો ધરાવતા કોંગ્રેસ પાસેથી વિરોધ પક્ષના નેતાનું પદ આંચકી લેવામાં આવ્યું છે. કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ફાળવવામાં આવેલું કાર્યાલય અને ભાનુબેન સોરાણીને આપવામાં આવેલી સરકારી કારની સુવિધા આજે પરત ખેંચી લેવામાં આવી છે. કોર્પોરેશનમાં ભાજપના શાસકોનો ભ્રષ્ટાચાર અને બિલ્ડરો-કોન્ટ્રાક્ટરો સાથેની મિલી ભગત ઉઘાડી પડી જવાના ફફડાટથી કોંગ્રેસ પાસેથી વિપક્ષી પદ છીનવી લેવાયાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. દરમિયાન કાર્યાલય વિહોણા બની ગયેલા કોંગ્રેસના બંને કોર્પોરેટરો કાલથી કોર્પોરેશનના બગીચામાં બેસી જનતાના પ્રશ્ર્નો સાંભળશે.
ગઇકાલે તાત્કાલીક અસરથી મેયર ડો.પ્રદિપભાઇ ડવ દ્વારા એવો આદેશ આપવામાં આવ્યો હતો કે કોંગ્રેસ પાસે માન્ય વિરોધ પક્ષ બને તેટલું સભ્ય સંખ્યા બળ નથી. આવામાં તેઓને ફાળવવામાં આવેલું કાર્યાલય અને સરકારી ગાડી આપવી હવે યોગ્ય જણાતી નથી. આ સુવિધા પરત ખેંચી લેવા મ્યુનિ.કમિશનર આનંદ પટેલને પત્ર લખવામાં આવ્યો હતો. જેની અસરતળે 24 કલાકમાં કાર્યાલય પરત સોંપી દેવા આદેશ આપવામાં આવ્યો હતો.
આજે સવારે પ્રદેશ કોંગ્રેસના અગ્રણી મહેશ રાજપૂત, પૂર્વ મેયર અશોકભાઇ ડાંગર, ભાનુબેન સોરાણી અને મકબુલ દાઉદાણીએ એક પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેઓએ એવો આક્ષેપ લગાવ્યો હતો કે ભાજપના શાસકોનો ભ્રષ્ટાચાર અને કોન્ટ્રાક્ટરો તથા બિલ્ડર સાથેની મિલી ભગત ખૂલ્લી પડી જવાના ડરના કારણે તેઓએ લોકશાહીની હત્યા કરતું પગલું લીધું છે અને કોંગ્રેસ પાસેથી વિરોધ પક્ષના નેતા અને કાર્યાલય તથા કારની સુવિધા આંચકી લીધી છે. અમે આઝાદી માટે અંગ્રેજો સામે પણ લડ્યા હતા. હવે ભ્રષ્ટાચારને નાથવા ભાજપના શાસકો સામે અમારી લડત ચાલુ રહેશે.
ચૂંટાયેલા પ્રતિનિધિને લોકોના પ્રશ્ર્નો સાંભળવા માટે એક નિશ્ર્ચિત જગ્યા ફાળવવી તે શાસકોની ફરજ છે. સરકારી કારની સુવિધા ભલે પરત લઇ લીધી પરંતુ અમને કાર્યાલય આપવું જોઇએ. આ અંગે મેયર ડો.પ્રદિપ ડવને રજૂઆત કરવામાં આવી છે. છતાં જો ભાજપના શાસકો બહુમતીના નશામાં કોંગ્રેસના બે કોર્પોરેટરોને બેસવા માટે ઓફિસ નહિં આપે તો આવતીકાલથી કોંગી કોર્પોરેટર ભાનુબેન સોરાણી અને મકબુલ દાઉદાણી કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં મ્યુનિ.કમિશનરની ઓફિસ સામે આવેલા બગીચામાં બેસીને જનતાના પ્રશ્ર્નોને સાંભળશે. અમે કોઇપણ ચરમબંધી સામે અવાજ ઉઠાવવામાં પાછીપાની કરીશું નહિં અને લોકોના હિત માટે સતત લડતા રહીશું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે તા.25/05/2021ના રોજ મેયર ડો.પ્રદિપ ડવે ભાનુબેન સોરાણીને વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્તીને સમર્થન આપતા સરકારી કાર અને કાર્યાલયની ફાળવણી કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે પણ કોંગ્રેસ પાસે પ્રયાપ્ત સભ્ય સંખ્યા બળ હતું નહિં તો આજે સભ્ય સંખ્યા બળનું બહાનું આપી સુવિધાઓ પરત ખેંચી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
લોકશાહીમાં જનતાનો અવાજ દબાવી દેવાનો ભાજપના શાસકોનો પ્રયાસ: રાજપૂત-ડાંગર
પ્રદેશ કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂત અને અશોક ડાંગરે આ ઘટનાને લોકશાહીની હત્યા સમાન ગણાવી હતી. તેઓએ એવો આક્ષેપ કર્યો હતો કે ભ્રષ્ટાચાર ખૂલ્લી પડી જવાના ડરથી ભાજપના શાસકોએ કોંગ્રેસ પાસેથી વિરોધ પક્ષ આંચકી લીધું છે. લોકશાહીમાં જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આંકાઓનો આદેશ આવતા પદાધિકારીઓએ રાતોરાત કોંગ્રેસને કાર્યાલય વિહોણી કરી દીધી છે. કોઇપણ સરકારી વિભાગમાં નોટિસ આપ્યા બાદ સાત દિવસનો સમય આપવામાં આવતા હોય છે.
જ્યારે મહાપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે લોકશાહીને જીવંત રાખવા માટે અમે પણ સ્ટેન્ડિંગ કમિટીમાં ભાજપના બે સભ્યો લીધા હતા પરંતુ હવે ભાજપ પોતાનો એકપણ ભ્રષ્ટાચાર ખૂલ્લો ન પડે તે માટે છેલ્લી હરોળનું રાજકારણ રમી રહ્યું છે. વિરોધ પક્ષના અવાજને દબાવવાનો હિન પ્રયાસ અમે ક્યારેય સાંખી લેશું નહિં. ભ્રષ્ટાચારને ખૂલ્લો પાડવા અને લોકોના પ્રશ્ર્નો માટે અમે સતત આંદોલન કરતા રહીશું.
ભ્રષ્ટાચારની ફરિયાદ લઇ કોંગી કોર્પોરેટરો ક્યારેય મારી પાસે આવ્યા જ નથી: મેયર
મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે જ્યારે બે વર્ષ પહેલા કોંગ્રેસને વિરોધ પક્ષના નેતાનું પદ, સરકારી કાર અને કાર્યાલયની ફાળવણી કરવામાં આવી ત્યારે તેઓની પાસે પ્રયાપ્ત સભ્ય સંખ્યા બળ હતું નહિં. માત્ર ચાર જ કોર્પોરેટરો હતા. છતાં અમે મોટું મન રાખી વિપક્ષનું પદ આપ્યું હતું. હવે માત્ર બે સભ્યો રહ્યા છીએ ત્યારે કાર્યાલય અને સરકારી કાર આપવાનું વ્યાજબી ન લાગતા આ નિર્ણય લેવાયો છે. ભ્રષ્ટાચાર ખૂલ્લો પડવાની બીકે શાસકો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની વાતમાં કોઇ દમ નથી. કારણ કે ભ્રષ્ટાચાર અંગેની કોઇ ફરિયાદ લઇ કોંગ્રેસના કોર્પોરેટરો ક્યારેય મારી પાસે આવ્યા નથી. બંને નગરસેવકો ચૂંટાયેલા પ્રતિનિધિ છે. તેઓ ગમે ત્યારે લોકોની સુખાકારી અંગે રજૂઆત કરવા મારી પાસે આવી શકે છે.
ભ્રષ્ટાચાર ખૂલ્લો પડવાની બીકે બહુમતીના જોરે ભાજપે કાર-કાર્યાલય લઇ લીધા: ભાનુબેન સોરાણી
કોંગી કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ આજે જણાવ્યું હતું કે કોર્પોરેશનમાં ચાલતા ભ્રષ્ટચાર ઉઘાડો પડી જવાના ડરથી ભાજપના શાસકોએ બહુમતીના જોરે વિરોધ પક્ષના નેતાનું પદ અને કાર-કાર્યાલય આંચકી લીધા છે. વોર્ડ નં.4માં એર્ફોડેબલ હાઉસીંગ પ્રોજેક્ટમાં નવીન બિલ્ડર્સ દ્વારા આચરવામાં આવેલા બેફામ ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ કરી હતી. આ ઉપરાંત વોર્ડ નં.7માં ભક્તિનગર સ્ટેશન પ્લોટ પાસે કોર્પોરેશનની જમીન હડપ કરી જવા માટે ભાજપના એક મોટા નેતા અને કોર્પોરેશનના અધિકારી ખેલ પાડી રહ્યા હોવાની ફરિયાદો મે કરતા આજે આ કિંમત ચૂકવી રહી છું. જનતાએ મને કોર્પોરેટર તરીકે ચૂંટી છે ત્યારે જનતાના પ્રશ્ર્ને હું સતત અવાજ ઉઠાવતી રહીશ.