ખેડૂત ઉત્પાદક સંગઠનની જિલ્લા સ્તરીય નિરિક્ષણ સમિતિની બેઠક કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ

રાજકોટ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી આધારિત નવા બે એફ.પી.ઓ. (ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન – ખેડૂત ઉત્પાદક સંગઠન) બનાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ખેડૂત ઉત્પાદક સંગઠનની જિલ્લા સ્તરીય નિરિક્ષણ સમિતિની 9મી બેઠક જિલ્લા કલેક્ટર ના અધ્યક્ષસ્થાને, કલેક્ટર કચેરી ખાતે   યોજવામાં આવી હતી. જેમાં સમિતિની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

જેમાં જણાવાયું હતું કે, સેન્ટ્રલ સેક્ટર સ્કીમ – 10,000 એફ.પી.ઓ.ની રચના અને પ્રોત્સાહન યોજના હેઠળ રાજકોટ જિલ્લામાં હાલ તમામ એફ.પી.ઓ.ની નોંધણી થઈ ગઈ છે, તમામ એફ.પી.ઓ.માં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની નિમણૂક કરી દેવામાં આવી છે. ચાર એફ.પી.ઓ.માં સી.ઈ.ઓ. (મુખ્ય સંચાલન અધિકારી)ની નિયુક્તિની પ્રક્રિયા પ્રગતિમાં છે. મહત્વનું છે કે, જિલ્લાની તમામ એફ.પી.ઓ.માં એક-એક મહિલા ડિરેક્ટરની પણ નિયુક્તિ થઈ ચૂકી છે.

નોંધનીય છે કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના ખેડૂતોના કલ્યાણ માટે ખેડૂત ઉત્પાદક સંગઠન (એફ.પી.ઓ.) સ્કીમ શરૂ છે કરાવી છે. એફ.પી.ઓ. એ બ્લોક-તાલુકા સ્તરે ખેડૂતો દ્વારા સંચાલિત એક કંપની છે, જેમાં ખેડૂતો સભ્ય થઈ શકે છે. આ એફ.પીઓ. ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર ઉપલબ્ધ કરાવવું, સરળતાથી લોન, ખેતીની નવી ટેક્નોલોજી, સિંચાઈ, ખેત પેદાશોનું માર્કેટિંગ તેમજ પ્રોસેસિંગ વગેરેમાં સહાયરૂપ બને છે. ખેડૂતો દ્વારા સભ્ય ફી પેટે જેટલી રકમ ભરવામાં આવે, સામે તેટલી જ રકમ સરકાર દ્વારા આપવામાં આવે છે. ઉપરાંત કંપનીને વહીવટી સંચાલન માટે પણ ગ્રાન્ટ આપવામાં આવે છે.

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં નાબાર્ડના જિલ્લા વિકાસ મેનેજર  ધર્મેન્દ્ર ચૌહાણ, આત્મા, ખેતીવાડી વિભાગ, પશુપાલન વિભાગ, ફિશરિઝ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ક્લસ્ટર બેઝડ્ બિઝનેસ ઓર્ગેનાઈઝેશનના અધિકારીઓ-પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.