સાયલાના લાખાવડમાં કાઠી પરિવાર વચ્ચે ખેલાયેલા ધીંગાણામાં પ્રૌઢને વેતરી નખાયા પાંચને ઈજા; વઢવાણના મુળચંદ ગામે દંપતિ પર હુમલામાં આધેડનું ઢીમ ઢાળી દેવાયું
ઝાલાવડમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાથી ૨૪ કલાકમાં નજીવી બાબતે બે લોથ ઢળી છે.
સાયલાના લાખાવડ ગામે શોષ કુવા બાબતે કાઠી પરિવાર વચ્ચે ખેલાયેલા શસ્ત્ર ધિંગાણામાં પ્રૌઢની હત્યા નિપજાવી છે. જયારે યુવાન સહિત પાંચ શખ્સો ધવાતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી છે. પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વઢવાણ તાલુકાના મુળચંદ ગામે માછલી પકડવા જેવી નજીવી બાબતે એક જ જ્ઞાતિનાં બે જુથ વચ્ચે જુથ અથડામણમાં ઉપસરપંચની હત્યા અને તેની પત્નીને ઈજા પહોચી હતી. પોલીસે ગણતરીનાં કલાકોમાં બે શખ્સોને દબોચી લઈ પુછપરછ હાથ ધરી છે.
સાયલાના લાખાવાડ કાઠીદરબાર પરિવાર વચ્ચે શોષ કૂવા બાબતની તકરાર થઇ હતી. જેમાં ઉગ્ર બોલાચાલીમાં કાઠીદરબાર પરિવાર તિક્ષણ હથીયાર લઇ આમને સામને આવ્યા હતા અને જેમાં જીલુભાઇ નાજભાઇ ખાચરને શરીરના ભાગે ઇજાઓ થતા લોહીની ધારાઓ વછૂટી હતી. જેમાં ગંભીર રીતે ઘાયલ જીલુભાઇ ખાચરનું મોત થયુ હતુ. જ્યારે ખવડ ભરતભાઇ, પ્રતાપભાઇ, જયુભાઇ, ખાચર ભુપતભાઇ નાજભાઇ અને જીલુભાઇને ઇજા થતા સારવાર માટે સાયલા દવાખાને લઇ જવાયા હતા. જેમાં ગંભીર ઇજા થવાના કારણે ભરતભાઇ, પ્રતાપભાઇ અને જયુભાઇને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ટી.બી.હોસ્પીટલમાં લઇ જવાયા હતા અને જીલુભાઇની લાશને પી.એમ. માટે સાયલા દવાખાને મોકલી આપી હતી. મોતનું સાચુ કારણ જાણવા રાજકોટ ફોરેન્સીક લેબોરેટરીમાં પેનલ દ્વારા જીલુભાઇની લાશને મોકલી આપી હતી. બે કાઠી દરબાર જ્ઞાતિના લોકો વચ્ચે ખેલાયેલા ધીંગાણાને પગલે ગામમા઼ પરિસ્થિતિ ભારેલા અગ્ની જેવી થઇ ગઇ હતી. વાત વધુ વણસે તે માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાયલા પીએસઆઇ .બી.ભેટારીયાના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર ઇજાગ્રસ્તો પાસે બનાવનું સાચુ કારણ જાણવા તપાસ હાથ ધરાઇ છે. સાયલા પોલીસે લાખાવાડ ગામે ચૂસ્ત બંદોબસ્તગોઠવીને કોઇ અનિચ્છનીય બનાવ બને તે માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં માછલી પકડવાનો મોટી સંખ્યામાં લોકો વ્યવસાય કરી રહ્યાં છે. ત્યારે માછલી પકડવા જેવી બાબતની તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ વઢવાણ તાલુકાના મૂળચંદ ગામમાં લીધુ હતુ. જેનું પરિણામ છેક હત્યાના બનાવ સુધી પહોંચતા ગામમાં પણ અંજપાભરી સ્થિતિ સર્જાતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. એકાએક મૂળચંદમાં ધીંગાણુ થતા જેટલા શખ્સોએ તિક્ષ્ણ હથિયારોથી ગામના ઉપ સરપંચ ખુશાલભાઈ મથુરભાઈ માધર ઉપર તુટી પડતા ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા. હુમલાખોરો આટલેથી અટકતા ઉપસરપંચ ખુશાલભાઈના ઘરમાં પણ તોડફોડ કરીને આંતક મચાવ્યો હતો. આંતકમાં ખુશાલભાઈને પત્ની પણ અડફેટે આવી જતાં તેમનો હાથ ભાંગી ગયો હોવાની વિગતો પ્રાપ્ત થઇ હતી. બનાવની ગંભીરતા લઇને સુરેન્દ્રનગર બી ડિવિઝનના ઇન્ચાર્જ પીએસઆઈ એ.ડી.ચાવડા સહિતના કાફલાએ ઘટના સ્થળે ધસી જઇને ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
જ્યારે ગંભીર રીતે ઘવાયેલા ખુશાલભાઈને વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાતા હતા. ત્યારે રસ્તામાં તેમનું મોત થતા પીએમ માટે ગાંધી હોસ્પિટલે ખસેડાયા હતાં. જ્યારે મૂળચંદ ગામમાં સર્જાયેલા ધીંગાણામાં ઘવાયેલા લોહીલુહાણ હાલતમાં સોનલબેન ઠાકરશીભાઈ માધર, ધરમશીભાઈ મથુરભાઈ માધર અને મથુરભાઈ ઘેલાભાઈ માધરને સી.જે.હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતાં. બનાવની કડીબધ્ધ વિગતો મેળવવા ફરિયાદની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. નાના એવા ગામમાં થયેલી મારામારીમાં એકની હત્યાના પગલે પોલીસ પણ સર્તક બની ગઇ હતી. જેના કારણે અનેક વિસ્તારોમાં પોલીસે વોચ ગોઠવીને હત્યારાઓ ભાગે તે પહેલા તેની ભાળ મેળવવા દોડ લગાવી હતી. ત્યારે આધારભુત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હત્યાની ઘટનામાં પોલીસે બે શખ્સને પણ દબોચી લીધા હતાં.