ઈકોના ચાલક સહિત છ શખ્સોએ બસમાં તોડફોડ કરી રૂ .૬૦૫૦૦ની લૂંટ ચલાવી

બોટાદ-રાજકોટ રૂટ પર મીની બસ ચલાવતા તુરખા ગામના રબારી યુવાન સાથે મુસાફર બેસાડવાના પ્રશ્ને ઈકો કારના ચાલકે ઝઘડો કરી છ શખ્સોએ પાઈપથી હુમલો કરી બસમાં તોડફોડ કરી રૂ.૬૦૫૦૦ની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં મહિલા સહિત બે ઘવાતા પોલીસે છ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ બોટાદ તાલુકાના તુરખા ગામે રહેતા રણછોડભાઈ કાનાભાઈ નામના ૨૪ વર્ષના રબારી યુવાન અને લક્ષ્મીબેન પર વિંછીયાના મયુર જોરૂ કાઠી સહિત છ શખ્સોએ જસદણ-આટકોટ રોડ પર આવેલ કલ્યાણી પેટ્રોલ પંપ પાસે પાઈપથી હુમલો કરી રોકડ અને સોનાના ચેઈન મળી રૂ.૬૦૫૦૦ની લૂંટ ચલાવ્યા અને બસમાં તોડફોડ કર્યા અંગેની જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રણછોડભાઈ રબારી પોતાની મીની બસ બોટાદથી રાજકોટ આવી રહ્યાં હતા ત્યારે વિંછીયાના મયુર કાઠી પોતાની ઈકો કાર આગળ ચલાવી પેસેન્જરો પોતાની કારમાં બેસાડી દેતો હોવાથી બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. રણછોડભાઈ રબારી બસ લઈને જસદણ આટકોટ રોડ પર પહોંચ્યા ત્યારે મયુર કાઠીએ પાંચ જેટલા અજાણ્યા શખ્સોને બોલાવી બસને ઉભી રખાવી પાઈપથી હુમલો કરતા વચ્ચે પડેલા લક્ષ્મીબેન પણ ઘવાયા હતા.

મયુર કાઠી સહિતના શખ્સોએ બસમાં તોડફોડ કરી રૂ.૧૦૫૦૦ રોકડા અને રૂ.૫૦,૦૦૦ની કિંમતનો સોનાનો ચેઈનની લૂંટ ચલાવી ભાગી ગયા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.જસદણ પીએસઆઈ એચ.જી.પલ્લાચાર્ય સહિતના સ્ટાફે મયુર કાઠી સામે ખૂનની કોશીષ અને લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.