કાલાવડના ફગાસ ગામ પાસેથી શનિવારે પોલીસે એક મોટરમાં જૂનાગઢથી લાવવામાં આવતી અંગ્રેજી શરાબની ૧૪૧ બોટલ સાથે રાજકોટના બે શખ્સોની ધરપકડ કરી છે. તેઓએ જૂનાગઢના સપ્લાયર અને જામનગરના રીસીવરના નામ આપ્યા છે. ઉપરાંત માછરડા ગામ પાસે એક મોટરમાંથી ૧૦૮ બોટલ શરાબ મળી આવ્યો છે. નગરમાંથી એક શખ્સને ત્રણ બોટલ સાથે ઝડપી લેવાયો છે.કાલાવડ સાથે જોડાયેલા ધોરીમાર્ગો પર શનિવારે રાત્રે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે, જૂનાગઢથી વાયા ફગાસ ગામ થઈ જામનગર તરફ જતી એક મોટરમાં અંગ્રેજી શરાબનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે તે બાતમીના આધારે ફગાસ ગામના બસ સ્ટેન્ડ પાસે પીએસઆઈ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફના શૈલેન્દ્રસિંહ, વિજયસિંહ, માનસંગ ઝાપડિયા, કુલદીપસિંહ પરમાર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.

તે દરમ્યાન ત્યાંથી પસાર થયેલી જીજે-૧-બીકે ૪૫૨૩ નંબરની ક્રુઝ મોટરને પોલીસે રોકાવી તેની તલાશી લેતા આ મોટરમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૧૪૧ બોટલ નીકળી પડી હતી. પોલીસે રૃા.૭૧પ૦૦ની કિંમતનો શરાબનો જથ્થો ઝબ્બે લઈ મોટરમાં જઈ રહેલા રાજકોટના રહેવાસી અને અભ્યાસ કરતા વાહિદ ઈબ્રાહીમ સોરા (ઉ.વ.ર૦), વાહનની લે-વેચનો વ્યવસાય કરતા રાજકોટના સીકંદર ઈસ્માઈલ સુમરા નામના બે શખ્સોની ધરપકડ કરી હતી. તેઓના કબજામાંથી બેુ મોબાઈલ ઝબ્બે લેવાયા હતા. આ શખ્સોની પૂછપરછ કરાતા તેઓએ ઉપરોક્ત જથ્થો જૂનાગઢના હિતેશ ઝાલાએ મોકલાવ્યો હોવાની અને જામનગરમાં શક્તિદાન મનહરદાન ગઢવીને આપવાનો હોવાની કબૂલાત આપી છે.

કાલાવડ તાલુકાના માછરડા ગામમાં પણ શનિવારની મોડીરાત્રે ગોઠવાયેલી વોચ દરમ્યાન કાલાવડ ગ્રામ્ય પોલીસે ત્યાંથી નીકળેલી જીજે-૧૦-સીએન ૧૭૧૦ નંબરની ટીયુવી મોટરને શકના આધારે રોકાવી તેની તલાશી લેતા તેમાંથી અંગ્રેજી શરાબની ૧૦૮ બોટલ નીકળી પડી હતી. જ્યારે મોટરનો ચાલક તથા તેની સાથે રહેલો એક શખ્સ નાસી જવામાં સફળ થયો હતો. પીએસઆઈ ડી.પી. ચુડાસમાએ બન્ને સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના દિ. પ્લોટ-૪૯માં પાણાખાણ નજીકના સુલભ શૌચાલય પાસેથી ગઈરાત્રે જીજે-૧૦-એકે ૭૮૯ર નંબરનું મોટરસાયકલ પસાર થતું હતું તેને પોલીસે રોકાવી તલાશી લેતા તેના ચાલક ચેલા ગામના હેમતસિંહ નવલસિંહ કેરના કબજામાંથી અંગ્રેજી શરાબની ત્રણ બોટલ મળી આવી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા ભાણવડ તાલુકાના રાણપર ગામના બાબુ રબારી પાસેથી બોટલ લીધી હોવાની કબૂલાત મળી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.